________________
muz
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
આ સાંભળી સંદિગ્ધ થયેલા શ્રી ગૌતમસ્વામિ શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા અને તેમને પૂછતાં તેઓશ્રીએ ફરમાવ્યું કે - હે ગૌતમ! આણંદ યથાર્થ બોલે છે. આ સાંભળી શ્રી ગૌતમસ્વામી તરત જ પાછા ફર્યા અને આણંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડ દીધું.
આણંદ શ્રાવક સારા ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધી પ્રથમ દેવલોકના અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા ઋદ્ધિશાળી દેવ થયા. ત્યાંથી એવી મહાવિદેહે જન્મી મુક્તિ પામશે. (શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર ઉપાસકદશાંગ નામક સાતમા અંગસૂત્ર અને શ્રી વર્ધમાનદેશનામાં સવિસ્તાર છે.)
આ પ્રમાણે પ્રવદ્ધમાન મનશુદ્ધિવાળા આણંદ શ્રાવકનું વૃતાંત સાંભળીને શ્રાવકોએ આદરપૂર્વક મનશુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
૧૭.
વચનશુદ્ધિ જીવ-અજીવ આદિ તત્ત્વોનાં પ્રકાશક શ્રી જિનઆગમ છે. કોઇપણ સંયોગોમાં અને વિષમ સ્થિતિમાં પણ જેઓ શ્રી જિનાગમથી વિપરીત ન બોલે તેઓ વચન શુદ્ધિવાળા કહેવાય.
જેમ સદાનથી ગૃહસ્થાઈ અને વિવેકથી ગુણનો વૈભવ તેમ મોક્ષસુખ માટેનું સમ્યકત્વ આગમાનુસારી સત્ય વચનથી ઓળખાય છે.
ચંદનની સુગંધ ઘસાયાથી, શેરડીની મીઠાશ પીલાયાથી તેમ સંનિષ્ઠ આત્માઓનું સમ્યત્વ કસોટીએ ચઢ્યા પછી પ્રસિદ્ધ થાય છે. શ્રી કાલિકાચાર્યજીનું દષ્ટાંત આ બાબતને જણાવે છે. '
શ્રી કાલિકાચાર્યજીનું દષ્ટાંત તુરમણિ નામક નગરીમાં એક કાલિક નામના સજ્જન બ્રાહ્મણ રહે. તેમને ભદ્રા નામની બહેન અને દત્ત નામનો ભાણેજ હતો. કાલિકે જૈનાચાર્યથી પ્રતિબોધ પામી તેમની પાસે દીક્ષા લીધી. કાલિક દીક્ષિત થયા પછી દત્ત પર કોઇનો દાબ ન રહ્યો અને તે સ્વચ્છંદી બનવા લાગ્યો. ત્યાંના રાજા જિતશત્રુની સેવા કરતાં તે પોતાના કૌશલ્યથી રાજાનો મંત્રી બની ગયો. ધીરે ધીરે તે રાજ્યતંત્રમાં ઊંડે સુધી ઉતર્યો. પ્રધાન મંડળને સ્વાધીન કરી રાજયધૂરા અને રાજ ઉપર પણ વિશ્વાસ ઉપજાવી તેણે રાજાને બંદીવાન બનાવ્યો અને રાજા બની બેઠો. પરલોકની તેને જરાય પડી નહોતી. રાજા બની તે વધારે નિષ્ફર થયો પરંતુ પોતાની કીર્તિને માટે તે યજ્ઞ-યાગ હોમ-હવન આદિમાં ધનવ્યય છૂટા હાથે કરતો.
તેના મામા શ્રી કાલિકે દીક્ષા લીધેલી. તેઓ યોગ્ય ગુણવાન બહુશ્રુત ખ્યાતનામ અને કીર્તિવાન ગચ્છાધિપતિ થયા.