________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
નવમી પ્રતિમામાં નવ માસ સુધી પૂર્વની આરાધના સાથે કોઈ નોકર વગેરે વ્યક્તિને મોકલી કાર્ય કરવાનો પણ ત્યાગ હોય છે.
૫૨
દસમી પ્રતિમામાં પૂર્વની નવે પ્રતિમાની વિધિ સાચવવા ઉપરાંત પોતા માટે કરેલા આહારાદિનો પણ પરિહાર હોય છે અને અગિયારમી પ્રતિમામાં તો પોતે અસ્ત્ર કે લોચથી મુંડ થઇ રજોહરણ તેમજ ઉપગ્રહ (ઉપકરણ) ગ્રહણ કરી શ્રમણની જેમ ધર્મને સ્પર્શીને અગિયાર માસ સુધી વિચરે. સાધુની જેમ પોતે શ્રાવકને ઘેર ભિક્ષાએ જાય અને ‘પ્રતિમા-પ્રતિપન્નાય શ્રાદ્ધાય ભિક્ષાં દેહિ' એમ કહી યોગ્ય ભિક્ષા ગ્રહણ કરે. આવી રીતે આણંદ શ્રાવકે અગિયારે પ્રતિમા સત્ત્વપૂર્વક વહન કરી પાંચ વર્ષ અને પાંચ માસે આ પ્રતિમા પૂર્ણ થતાં આનંદ શ્રાવક ઘણાં જ કૃશ થઇ ગયેલા તેમનું શરીર નિર્બળ થયેલું. આત્મા તેટલો જ સબળ થયેલો. સત્ત્વહીન શરીર જોઈ અતિ સાત્ત્વિક આણંદ વિચારવા લાગ્યા ‘આ શરીર હવે વધારે ચાલી શકે તેમ નથી. સંયમ પણ લેવાયું નથી. મારા પરમ ઉપકારી પરમ ગુરુ પરમાત્મા મહાવીરદેવ હજી આ પૃથ્વી ઉપર વિચરે છે ત્યાં સુધીમાં મારે પુરુષાર્થ કરી લેવો જોઈએ. કલ્યાણકારી નિર્ણયને તેમણે ક્રિયાશીલ બનાવ્યો અને સંલેખના (અણસણ) લઈ ધર્મધ્યાનમાં લીન થયા, મનઃશુદ્ધિ સબળ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
એવામાં પરમાત્મા મહાવીર ભગવંત વાણિજ્યગ્રામમાં સમવસર્યા. શ્રી ગૌતમસ્વામિ ભગવંતને વંદન કરી છઠ્ઠને પારણે ગૌચરી પધાર્યા. ત્યાં લોકોને મોઢે આણંદ શ્રાવકની સંલેખનાઆદિના સમાચાર જાણી તેઓ તેને દર્શન દેવા પૌષધશાલામાં પધાર્યા.
ગૌતમસ્વામિને પધારેલા જોઈ આણંદ બોલ્યા-‘ભગવન્ ! શારીરિક અશક્તિને કારણે અભ્યુત્થાન આદિ કરી શકતો નથી માટે અવિનયની ક્ષમા આપજો. આપ સમીપમાં પધારી ચરણ વંદન કરવા દેવા પ્રસાદ કરો.' શ્રી ગૌતમસ્વામી સમીપ આવતાં આણંદ શ્રાવકે વંદન કરી શાતા પૂછી પછી પૂછ્યું- ‘ભગવન્ ! શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ?' તેમણે ઉત્તરમાં કહ્યું- ‘મહાનુભાવ! શ્રાવકને પણ અવધિજ્ઞાન થઈ શકે.’ આણંદે કહ્યું- ‘મને અવધિજ્ઞાન થયું છે. તેથી હું ઉપર સૌધર્મ દેવલોક, લોલુકપ્રભા નામક પ્રથમ નર્કાવાસનો પાથડો તથા તીરછાલોકમાં સમુદ્રમાં ત્રણ દિશાએ પાંચસો યોજન તથા ઉત્તર દિશામાં ચુલ્લ હિમવંત સુધી હું જોઈ શકું છું.
આશ્ચર્ય પામેલા શ્રી ગૌતમસ્વામી બોલ્યા- ‘આણંદ ! ગૃહસ્થને આટલી લાંબી મર્યાદાવાળું જ્ઞાન થઇ ન શકે. માટે તમારે મિચ્છામિ દુક્કડં આપવું જોઈએ.’
આણંદે પૂછ્યું-‘દયાળ ! અસત્ય બોલે તેણે મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ કે બીજાએ ?’ ‘જે અસત્ય બોલે તેણે’
આણંદ બોલ્યા-‘જો એમ હોય તો આપશ્રીએ મિથ્યાદુષ્કૃત દેવું ઘટે.