________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૫૧
એમ કહી વ્રત-ધર્મપ્રાપ્તિની વાત તેમણે કહી અને ઉમેર્યું કે તું પણ પરમાત્મા પાસે જઈ ધર્મ સાંભળ અને સ્વીકાર કર.
આ સાંભળી શિવાનંદા સરખી સન્નારીઓ સાથે રથમાં બેસી ભગવાન પાસે ગઇ. વંદન આદિ કરી ધર્મ,સાંભળ્યો અને અહોભાવથી સ્વીકાર કર્યો. અત્યંત નિષ્ઠાપૂર્વક ધર્મ પાળતાં આ દંપતિને ચૌદ વર્ષ વીતી ગયાં. એક પાછલી રાત્રિએ આણંદ જાગી ગયા ને ધર્મનો વિચાર કરવા લાગ્યા. ખોબામાં ભરેલા પાણીને જેમ સાચવી શકાતું નથી તેમ લાખ પ્રયત્ને પણ આ જીવન લાંબો કાળ સાચવી શકાતું નથી. અતિ મોંઘું આ જીવન સાવ સસ્તે ભાવે ચાલ્યું જાય છે. લોકો કુશળ પૂછે છે પણ જ્યાં આયુષ્ય ઓગળતું હોય ત્યાં કુશળ ક્યાંથી હોય ? જીવનનો મોટો ભાગ તો પૂરો થઇ ગયો, માટે હું પ્રાદ છોડી શ્રાવકની પ્રતિમા વહન કરૂં. આ પ્રમાણે નિર્ણય કરી સવારે જ્ઞાતીયગોત્રીયજનોને નોતરી તેમને ભોજન કરાવી વસ્ત્રાદિની પહેરામણી કરી પોતાની શુભ ભાવના જણાવી, મોટા પુત્રને વહેવાર વાણિજ્ય ભળાવી પોતે પૌષધશાળામાં આવી આ પ્રમાણે પ્રતિમા વહન કરી.
પ્રથમ સમકિતની પ્રતિમા એટલે રાયાભિયોગેણં ઇત્યાદિ છ આગારનો પણ ત્યાગ કરી શંકા-કાંક્ષાદિ દૂષણ રહિત જરાય અતિચાર વિના એક મહિનો શુદ્ધ સમ્યક્ત્વનું પાલન કરવારૂપ પહેલી પ્રતિમા વહી.
બીજી વ્રત પ્રતિમા એટલે બારે વ્રત સમકિત સહિત અખંડપણે બે માસ પર્યંત પાળવા તે. ત્રીજી સામાયિક પ્રતિમા ત્રણ માસની હોય છે. પૂર્વની બંને પ્રતિમાની આરાધનામાં બંને ટંકની નિયમિત યથાવિધિ સામાયિક ભળે છે.
ચોથી ચાર મહિનાની પૌષધ પ્રતિમા, તેમાં પૂર્વની ત્રણે પ્રતિમાની આરાધના ઉપરાંત દરેક મહિનાની ચારે પર્વણીમાં ચોક્કસ રીતે પૌષધ કરવાનો હોય છે.
પાંચમી પાંચ માસની પ્રતિમામાં પહેલાની પ્રતિમાની ઉપાસના સાથે ચાર પર્વોના પૌષધમાં રાત્રિના ચારે પ્રહર કાઉસ્સગ્ગ કરવાનો હોય છે.
છઠ્ઠી છ મહિનાની બ્રહ્મચર્ય પ્રતિમામાં પૂર્વની પાંચે પ્રતિમાની ક્રિયાપૂર્વક છ મહિના પર્યંત શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે.
સાતમી પ્રતિમામાં છ પ્રતિમાની વિધિ કરવા ઉપરાંત સાત માસ સુધી ચિત્ત પદાર્થનો ત્યાગ કરવાનો હોય છે.
આઠમી પ્રતિમામાં પૂર્વની સર્વ આરાધના સહિત આઠ મહિના આરંભનો સર્વથા ત્યાગ
હોય છે.