________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૫૫
પડતાં જોરથી પગ ઉપાડતાં તેમાં ચોટી આવેલી વિષ્ઠા ઉડીને દત્તના મોઢા ઉપર પડી, તરત જ દત્ત ચમક્યા. ગંધાતી વિષ્ઠા હાથ ફેરવતાં ઓળખાઈ ગઈ. શ્રી કાલિકાચાર્ય મહારાજના શબ્દો તાજા થઇ કાનમાં ગૂંજવા લાગ્યાં. તેને શંકા પડતાં દિવસની ગણત્રી કરી. એક આખા દિવસની ભૂલ સમજાતા તે છળી ઊઠ્યો તે પરસેવામાં રેબઝેબ ને ગભરાટથી બેબાકળો થઇ ગયો. તે તરત ત્યાંથી પાછો ફર્યો.
આ તરફ રાજ્યના હિતચિંતકોએ આ છ દિવસમાં દત્તની અસાવધાનીનો લાભ લઈ બીજા રાજાની વ્યવસ્થિત તૈયારી કરી. દત્ત પાછો ફરે તે પૂર્વે રાજાને સિંહાસન પર બેસાડી દીધો અને દત્તને પકડી કેદખાનામાં નાંખ્યો. તેના હીન આચરણના લીધે તેની ઘણી કદર્થના થઈ અને સાતમે દિવસે કુંભીમાં પકાવી કરપીણ રીતે મારી નાંખવામાં આવ્યો. અંતે તે નરકે ગયો.
આ પ્રમાણે કોઈનીય શેહમાં તણાયા વગર અને મૃત્યુનો ડર રાખ્યા વિના યથાસ્થિત વાક્ય બોલવું જોઈએ. તેથી આ ભવ, પરભવ અને ભવોભવ ઉત્તમ સુખ મળે.
૧૮
કાયશુદ્ધિ
તલવાર આદિથી ભેદાવા અને બંધન-કેદ આદિથી પીડાવા છતાં અર્થાત્ અતિ વિષમ આપત્તિમાં આવવા છતાં જે રાગ-દ્વેષના જીતનાર જિનેશ્વરદેવ સિવાય અન્યને નમસ્કાર કરતા નથી તે ભાગ્યશાળી કાયશુદ્ધિવાળો સમકિતી કહેવાય.
ઉત્તમ કોટિના ગુણો અને સર્વથા દોષનો અભાવ શ્રી અરિહંત દેવમાં જ છે. તેથી તેઓ વંદન-પૂજનને યોગ્ય છે. તેમને કરેલ વંદન-પૂજનથી દુઃખના કારણોનો નાશ સંભવે છે ત્યારે અન્ય દુઃખનું કારણ અને સ્વરૂપ પણ જાણતા નથી, વજ્રકર્ણની કાયશુદ્ધિ સંસારમાં વખણાયેલી છે.
વજકર્ણની કથા
ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અયોધ્યાના અધિપતિ મહારાજા દશરથના સુપુત્ર શ્રી રામચંદ્રજી; રાજરાણી કૈકેયીના વચનથી પત્ની સીતા અને ભાઇ લક્ષ્મણ સાથે વનવાસે નીકળ્યા. પંચવટીથી અવંતીનગર જતાં વચમાં તેમણે અતિ સમૃદ્ધ પણ માણસ વગરનું એક નિર્જન નગર જોયું. શ્રી રામચંદ્રે લક્ષ્મણને પૂછતાં લક્ષ્મણ એક વટેમાર્ગુ માણસને શોધી શ્રી રામચંદ્ર પાસે લઇ આવ્યા, તેણે બંનેને પ્રણામ કર્યા પછી નગરની નિર્જનતાનું કારણ જણાવતાં તેણે કહ્યું
‘આ નગરનું નામ દશપુર છે. અહીંના રાજા વજકર્ણ હતા. તે સમજુ અને સાત્ત્વિક હતા પણ તેમને આખેટ (શિકાર)નું વ્યસન હતું. તેઓ એકવાર પોતાના સાથીઓ સાથે શિકારે ગયા.
ઉ.ભા.-૧-૫