________________
૫૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ત્રિકરણ શુદ્ધિથી ધર્મમાં સ્થિર જયસેના શાશ્વત સુખને પામી, તેમ જીવે ઉપાધિમાં અકળાયા વગર ધર્મમાં સ્થિર થવું જોઈએ.
૧૬
મનઃશુદ્ધિ મનની શુદ્ધિ વિના જેઓ મુક્તિ મેળવવા તપાનુષ્ઠાન આદિ કરે છે તેઓ ભરદરિયે વહાણ પડતું મૂકી બાવડાથી સાગર તરવા ઈચ્છે છે. માટે મુક્તિના અભિલાષીએ અવશ્ય મનશુદ્ધિમાં લક્ષ્ય રાખવું જોઈએ. કારણ કે ઘણાં આરંભશીલ આત્માને પણ મનશુદ્ધિથી મોક્ષમાર્ગ સુલભ બને છે અને મુક્તિ મળે છે. તે સંબંધમાં આણંદ શ્રાવકનો પ્રબંધ આ પ્રમાણે છે.
આણંદ શ્રાવકની કથા વાણિજ્યગ્રામ નગરના કોલ્લાક સંનિવેશ (ઉપનગર)માં એક આણંદ નામક સગૃહસ્થ રહેતા હતા. શ્રમણ પરમાત્મા મહાવીરદેવ પાસે જતાં લોકોના સમૂહને જોઈને તે પણ ગયા; પ્રભુની સ્યાદ્વાદ જણાવતી કલ્યાણી વાણી સાંભળી તેઓએ પ્રભુ પાસે વ્રતો સ્વીકાર કર્યો. દ્વિવિધત્રિવિધ સ્થૂળથી પ્રાણાતિપાત, મૃષાવાદ આદિના ત્યાગ સ્વરૂપ પાંચ અણુવ્રત ગ્રહણ કર્યાં. ચોથા વ્રતમાં પોતાની પત્ની સિવાય અન્ય કોઈપણ નારી સાથેના સંબંધનો ત્યાગ કર્યો. પાંચમા વ્રતમાં ચાર કરોડ સુવર્ણમુદ્રા ઘરે રાખવાની, ચાર કરોડ વ્યાજે રોકવાની અને ચાર કરોડ વેપારમાં રોકવાની છુટ રાખી, તે સિવાયના નાણાંનો ત્યાગ કર્યો.
દસ હજાર ગાયનું એક, એવા ચાર ગોકુળ રાખ્યા, એક હજાર ગાડાં, પાંચસો હળ, પોતાના માટે ચાર વાહન ઇત્યાદિ પાંચમા વ્રતમાં તેણે નિયમ કર્યો. તેમ છઠ્ઠા દિશાવ્રતમાં ગમનાગમનની ભૂમિની મર્યાદા કરી, સાતમા ભોગ-ઉપભોગ વ્રતમાં અનંતકાય (કંદમૂળ) અભક્ષ્ય તેમ જ પંદરે કર્માદાનનો સર્વથા ત્યાગ કર્યો, જેઠીમધનું દાતણ, મર્દન માટે શતપાક સહસ્ત્રપાક તેલ, ઉદ્વર્તન માટે ઉપલોટ અને કુષ્ટની પીઠી, નહાવા માટે ગરમ પાણીના આઠ ઘડા, પહેરવા માટે એક જોડ ચીનાંશુક (રેશમી), સફેદ કમળ અને માલતીના ફૂલ, અલંકારમાં નામવાળી વીટી અને કુંડલની જોડ, ધૂપમાં દશાંગાદિ, ખાવામાં પેયા, મિષ્ટાન્નમાં ઘેવર અને ખાજા, ભાતમાં કમલશાલના ચોખા, દાળમાં મગ-ચણા-ખડદની દાળ, શરદઋતુમાં તપાવેલું ગાયનું ઘી, શાકમાં ડોડી આદિ, ફળ આમળા, માત્ર આકાશથી પડતું સંચિત કરેલું પાણી અને મુખવાસમાં જાયફળ, લવીંગ ઇલાયચી, કંકોલ અને કપૂરથી વાસિત તાંબૂલ. એટલું રાખી બાકી બધો ત્યાગ કર્યો. આમ પ્રભુ પાસે બાર વ્રત અંગીકાર કરી નવતત્ત્વાદિની સમજણ લઈ તે આણંદ ઘેર આવ્યા. તેમને અતિ પ્રસન્ન જોઈ શિવાનંદાએ કારણ પૂછતાં તેમણે કહ્યું- “આજે મને અપૂર્વ-અચિંત્ય લાભ મળ્યો છે.”