________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
૧૪
અવિનય જેમ વિનયના ફળ સારાં છે, તેમ અવિનયના ફલ એટલા જ નઠારાં છે. પ્રકૃતિથી જ દુર્વિનીત અને ગુરુવચનથી ઊંધી બુદ્ધિવાળો કૂળવાલક નામક સાધુ સંસારસાગરમાં ડૂબી ગયો.
કૂળવાલકમુનિની કથા એક આચાર્ય મહારાજનો શિષ્ય સાવ અવિનયી હતો. તેને જેમ જેમ વધુ શિખામણ આપવામાં આવે તેમ તેમ તે વધારે ને વધારે ખીજાતો.
એકવાર ગુરુ મહારાજ સાથે તે ગિરનારનો ડુંગર ચઢતો હતો. તે માર્ગમાં સ્ત્રીઓને જોવા તથા બહાનું કાઢી વાતો કરવા ઉભો રહી જતો. ગુરુએ શિખામણ આપતાં તેણે ગુરુનો જ ઘાત ચિંતવ્યો અને ઉપર ચઢી એક શિલા ગુરુ મહારાજ ઉપર ગબડાવી. ગુરુ ચેતીને બચી ગયા. તેમણે કહ્યું – “એ દુરાત્મા ! તારા આ લક્ષણથી લાગે છે કે તારો વિનાશ સ્ત્રીથી જ થશે.” તે દુર્વિનીતે વિચાર્યું કે “આ ગુરુનું વચન ખોટું પાડું. એવી જગ્યાએ રહ્યું કે જ્યાં સ્ત્રીની છાયા પણ ન આવી શકે.” અને તે ગુરુથી એકલો જુદો પડી એક નદીના કાંઠે આતપાદિ તપશ્ચરણ કરતો રહેવા લાગ્યો. તપોબળથી તેણે અનેક લબ્ધિ પ્રાપ્ત કરી. એકવાર તેણે નદીનું મૂળ એટલે કિનારો, તપોલબ્ધિથી ફેરવીને વહેણ બીજી તરફ વાળી નાખતાં તેનું નામ કૂળવાલક તરીકે પ્રસિદ્ધ થયું.
આ તરફ દેવતા પાસેથી મળેલ દિવ્ય કુંડલની જોડી હાર, વસ્ત્રયુગલ અને સેચનક નામનો પટ્ટહસ્તી શ્રેણિકે પોતાના હલ્લ-વિહલ્લ નામના દીકરાને વહેંચી આપ્યા. તેથી રોષે ભરાયેલા કોણિકે પોતાના પિતા રાજા શ્રેણિકને છલનાપૂર્વક પકડી કેદખાનામાં નાંખ્યા. ત્યાં શ્રેણિકે આત્મહત્યા કર્યાથી કોણિકને એવો આઘાત લાગ્યો કે રાજગૃહીમાં રહી ન શક્યો. તેણે મગધની રાજધાની તરીકે રાજગૃહીની બદલે ચંપાનગરીને સ્થાપી. ત્યાં કાળ-મહાકાળ આદિ પોતાના અતિ બળવાન યોદ્ધા ભાઈઓ સાથે રહેવા અને રાજ્ય ચલાવવા લાગ્યો.
એકવાર કોણિકની રાણી પદ્માવતીએ પતિને ચઢાવ્યો કે-દિવ્યકુંડલ-સેચનક હાથી આદિ ચાર વસ્તુ રાજયની છે. અને તમે રાજા છો એટલે આપણને મળવી જોઈએ.” તેથી કોણિકે હલ્લવિહલ્લને જણાવ્યું કે આ વસ્તુ અમને સોંપી દો નહીં તો પરિણામ અતિ દારુણ આવશે.” આથી તે શાણા ભાઈઓએ વિચાર્યું કે અથડામણમાં ઉતરવા કરતાં ખસી જવું સારું અને તેઓ સારભૂત વસ્તુઓ લઈ પોતાની માતાના પિતા ચેડારાજાને ત્યાં ચાલ્યા આવ્યા. કોણિકે દૂત મારફત જણાવ્યું કે- “બંને ભાઈઓને અહીં મોક્લાવો.” રાજાએ ઉત્તર આપ્યો કે-“શરણે આવેલા દીકરીના દીકરાઓને હું પાછા ન મોકલી શકું.' આથી રોષે ભરાયેલા કોણિકે પોતાના ત્રણ ક્રોડ યોદ્ધાઓના સૈન્ય સાથે આક્રમણ કર્યું. સાથે કાળ-મહાકાળ આદિ દશે ભાઈઓને પણ તેટલા જ સૈન્યયુક્ત સાથે લીધા.