________________
૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ જ આંબાની લૂમ ચોરાયાની બૂમ રાજા પાસે આવી. આ સાંભળી રાજાને અપાર અચંબો થયો કે આવા પાકા પહેરા વચ્ચે ચોરી કેવી રીતે થઈ? તેમણે અભયકુમારને કહ્યું – “આવી ચોક્કસ ચોકીદારી છતાં આંબા ચોરાઈ જાય તો મહેલની સુરક્ષા કેમ થઈ શકશે ?' અભયકુમારે ચોરને પકડવાનું માથે લીધું.
સાવ સામાન્ય વેશે મહામંત્રી હલકી વસ્તીમાં ગયા. ત્યાં જુગાર-પાસા-ગમતમાં સ્વચ્છંદી લોકો લીન હતા. અભયે કહ્યું – “આ તમાશા કરતા વધારે સરસ એક વાર્તા હું તમને કહું. તમને ગમ્મત પડશે.” સહુ બોલ્યા- હા, હા કહો.' તેમણે કહ્યું
વસંતપુરનગરમાં અતિ દરિદ્રી જીર્ણ નામના વણિકને એક સુંદર યુવાન કન્યા હતી. તે સારા પતિની પ્રાપ્તિ માટે ગામ સીમાડે આવેલા કામદેવના મંદિરે હંમેશા પૂજા માટે જતી હતી. પોતે નિર્ધન હતી તેથી એક માળીના બાગમાંથી તે રોજ પુષ્પો ચોરી લાવતી ને યક્ષને ચડાવતી. શંકા પડતા માળીએ ચોકી કરતાં કન્યા પકડાઈ ગઈ અને સાચી બીના કહી. તેના ઉપર મુગ્ધ થયેલા માળીએ કહ્યું-તું શઠાભાગી થાય તો જ તને છોડીશ.” તેણીએ કહ્યું - હું કન્યા છું. મારી સાથે ગમન કરાય નહીં. માળીએ કહ્યું- “તો પરણીને પહેલા મારી પાસે આવવાનું વચન આપ તો તને છોડું.” તેણીએ કબૂલ કર્યું. થોડા વખત પછી તેણીના લગ્ન થયા. પહેલી રાત્રે તેને ઉદાસ જોઈ પતિએ ઉદાસીનું કારણ પૂછતાં તેણે માળીવાળી વાત કરી અને માળી પાસે જવા અનુમતિ માંગી.
તેની સત્યનિષ્ઠાથી રાજી થયેલા પતિએ જવાની અનુમતિ આપી. લગ્નવેળાના કપડા અલંકારથી સજ્જ થયેલી તે રાત્રિના અંધકારમાં એકલી જતી હતી ત્યાં માર્ગમાં ચોર મળ્યા. તેમણે ઘરેણાં ઉતારવાનું કહ્યું. તે બોલી- મારે પહેલા માળી પાસે જવું છે. એને વિશ્વાસ થવો જોઈએ કે લગ્ન પછી હું સીધી જ એની પાસે આવી છું. પાછા વળતા તમારે ઘરેણાં જોઇએ તો લેજો.” ચોરોએ સાશ્ચર્ય મંજૂર રાખ્યું. આગળ જતાં તે યુવતીને એક રાક્ષસ મળ્યો. તે કહે- “હું તને ખાઉં.” યુવતિએ બધી વાત કરી કહ્યું – “પાછી ફરતા મને ખાજે.” અને તે માળીને ઘેર આવી. માળીએ “આટલી મોડી ક્યાંથી આવી?” એમ પૂછતાં તેણે લગ્ન, પતિની અનુમતિથી માંડી રસ્તામાં નડેલા ભયોની વાત કહી ઉમેર્યું-“આટલી ઉપાધિ વહોરી હું અહીં માત્ર મારું વચન પાળવા આવી છું. હવે જેવી તમારી ઇચ્છા. આ સાંભળી માળી વિચારવા લાગ્યો કે - “બાઇની કેવી સત્ય પર નિષ્ઠા છે. તેના પતિએ તેનો વિશ્વાસ કરી વચન પાળવા અનુમતિ આપી. અરે ! ચોર અને રાક્ષસે પણ અનુમતિ આપી, તો હું શું એમનાથી પણ ગયો? કે આવી સત્યનિષ્ઠ નારીનું શિયળ છોડાવું. આવા દુષ્કૃત્યના વિચાર કરવાવાળા મને ધિક્કાર છે. એમ વિચારી તેણે તે નારીને બહેન કહી સંબોધી અને માનભેર રજા આપી. તે રાજી થઈ પાછી ફરી ત્યાં રાક્ષસ મળ્યો. તેણે પૂછ્યું-“કેમ, માળી મળ્યો?” તેણીએ બધું કહી સંભળાવ્યું.
રાક્ષસ વિચારવા લાગ્યો “આવી નવયુવતીને અર્ધરાત્રીના એકાંતમાં પણ માળીએ બહેન કહી પાછી વાળી. તો આવા સત્યનિષ્ઠ માણસને ખાધા વગર મારૂં ક્યાં મોત આવે છે? ઘણું