________________
૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ મહાદુઃખે મળ્યું છે. તેની સફળતા માટે કલ્યાણવૃક્ષ માટે મેઘસમાન સિદ્ધિના સાધનરૂપ પરમેષ્ઠિનું વિનયપૂર્વક આરાધન કરો. ઈત્યાદિ દેશના પૂર્ણ થયે કંઠીરવનામક મંત્રીએ પૂછ્યું- ભગવન ! અમારા ભુવનતિલક નામના રાજકુમારને આકસ્મિક આવું દુઃખ કેમ આવી પડ્યું?” જ્ઞાની બોલ્યા - “ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ભવનાગાર નગરે લોકોના પાપનિવારક એક આચાર્ય મહારાજ શિષ્યાદિ સમુદાય સાથે પધાર્યા. તેમના એક શિષ્ય ઈંદ્રદત્ત મુનિઓ સાથે અતડા દુર્વિનીત હતા. એકવાર આચાર્યશ્રીએ તેને હિતશિક્ષા આપતાં કહ્યું, “વિનયનું ફળ શુશ્રુષા, ગુરુશુશ્રુષાથી શ્રુતજ્ઞાન, જ્ઞાનથી સંયમ, સંયમથી આશ્રવનો નિરોધ, નિરોધથી સંવર, સંરથી તપોબળ, તપથી નિર્જરા, નિર્જરાથી ક્રિયાનિવૃત્તિ, તેથી અયોગિપણું, યોગનિરોધથી ભવસંતતિનો ક્ષય અને ભવસંતતિના ક્ષયે મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ કલ્યાણનું કારણ વિનય છે. માટે હે મુનિ! તું વિનય કરીશ તો સર્વગુણની સમૃદ્ધિ મેળવીશ.” પરંતુ ગુરુની આવી વાણીથી પણ તેને ક્લેશનું કારણ થયું. તેણે ગુરુ ઉપર ક્રોધ કર્યો. સર્વ મુનિઓએ તેનો તિરસ્કાર કરવાથી તેણે પીવાના પાણીમાં જ તાલપુટ વિષ લાવી નાંખ્યું. તે વનમાં ભાગ્યો ક્યાંય શાંતિ મળી નહીં. સૂકા ઘાસમાં સૂતો હતો. ત્યાં આગ લાગતા ખરાબ ધ્યાનમાં મરી નરકે ગયો. આ તરફ શાસનદેવીએ જણાવ્યાથી વિષવાળું પાણી સાધુઓએ પરઠવી દીધું ને બીજું લાવી ઉપયોગ કર્યો.
એ કુશિષ્ય નરકનું આયુ પૂર્ણ કરી પશુઓના અનેક ભવો કરી, કોઈક સુકૃતના યોગે રાજકુમાર થયો છે. પૂર્વભવે સાધુઓનો ઘાત ઈચ્છેલો તેથી આ વ્યથા થઈ. પણ આ વાત તમે જઈને તેને સંભળાવશો તો તરત જ સાજો થઈ જશે. મંત્રીએ તેમ કરવાથી તે તરત સાજો થઈ ગયો. જાતિસ્મરણ પામી તે કેવળી પાસે આવ્યો અને પોતે કરેલા ઘોર પાપના નાશ માટે દીક્ષા લીધી. યશોમતીએ આ જાણ્યું ત્યારે પહેલા તો તેને આઘાત લાગ્યો પણ સાવધાન થઈ નશ્વર સંસારની અસારતા જાણી માતા-પિતાની અનુમતિપૂર્વક દીક્ષા લીધી. મંત્રી આદિને મુખે રાજા ધનદે ભુવનતિલકની દીક્ષાદિની વાત જાણી મમતાની વેદના ને સમજણનો હર્ષ લઈ તે તેમને વાંદવા ગયા.
શ્રી ભુવનતિલક મુનિરાજે અરિહંતાદિ દશે પદોનો ખૂબ વિનય કર્યો. તેથી ગુરુમુખે પણ તેમની ઘણી ઘણી પ્રશંસા વિસ્તાર પામી. તેમણે બોતેર લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળ્યું. એંશી લાખ પૂર્વનું સર્વાયુ પૂર્ણ કરી પ્રાંતે પાદપોપગમન નામનું અનશન કરી કેવળજ્ઞાન પામ્યા અને અનંતઅવ્યાબાધ આનંદના ધામ મોક્ષને પામ્યા.
આ પ્રમાણે શ્રી ભુવનતિલકમુનિનું ચરિત્ર સાંભળીને અરિહંતાદિ દશે પદનો છે મહાનુભાવો! વિનય કરો. જેથી વશીભૂત થયેલી મોક્ષલક્ષ્મી તમારો આશ્રય કરે.