________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૪૩
ખાવાનું મળશે.' એમ વિચારી તેણે પણ આદર-માનપૂર્વક વિદાય આપી. ત્યાંથી ચાલી તે ચોરો પાસે આવી. તેમના પૂછવાથી તેણે માંડીને બધી વાત તેમને કહી સંભળાવી. અચરજમાં ડૂબેલા ચોરો પણ વિચારમાં પડ્યા કે ‘આ પવિત્ર સત્ય નિષ્ઠાએ માળી અને રાક્ષસને પણ પામરતામાંથી ઉગારી લીધાં તો અમે એટલા નીચ બનીએ કે આના આભૂષણ લઇએ ?’ તેઓએ પણ કહ્યું‘બહેન !’ તું તારે જા. અમારે તારૂં કાંઈ ન ખપે.’ અને તેણે પતિ પાસે આવી સઘળી બીના કહી સંભળાવી. તે સાંભળી પતિ ઘણો રાજી થયો. બંનેના દિવસો આનંદમાં વ્યતીત થયા.
આમ વાર્તા પૂરી કરી અભયકુમારે સહુને પૂછ્યું કે-‘આ ચાર જણમાં શ્રેષ્ઠ કોણ ?’ ત્યારે તેઓમાં સ્ત્રી પ્રત્યે અવિશ્વાસુ હતો તે બોલ્યો કે -‘ખરેખર બાઈના ધણીને ધન્ય છે. નહીં તો સુહાગરાતે પરણેતરનો સંગ કર્યા વિના તેને જરાય દૂર કોણ જવા દે ? તેણે તો જાણવા છતાં પરપુરુષ પાસે જવા દીધી.'
ભૂખના કાયરે કહ્યું- ધન્ય તો રાક્ષસને છે, જેણે આવું મજાનું મુલાયમ ભોજન જવા દીધું.’ લંપટ બોલ્યો-‘અરે ! આ સાચા ધન્યવાદને પાત્ર તો માળી છે. જેણે આવી અખંડ કૌમાર્યવાળી ઘેર આવેલી યુવતીને એકાંતમાં પણ છોડી દીધી.' ત્યારે તે વખતે ત્યાં બેઠેલો કેરીચોર ચાંડાલ બોલ્યો-‘ધન્ય ધન્ય એ ચોરો ! જેમણે લગ્ન સમયના મોંઘાં આભૂષણો જતાં કર્યાં.' આ સાંભળતાં જ અભયે તેને પકડી લીધો. ને પૂછ્યું- ‘કેમ આંબા તેંજ ચોરેલા ને ?’ અપરાધ સ્વીકારતાં તે બોલ્યો-‘આપ જેવા સૌભાગીએ હાથ પકડ્યો છે, છતાં કાંઈ અનિષ્ટ થાય તો મારા ભાગ્યની વાત.' અભયકુમારે તેને નિર્ભય થવા અને બનતા પ્રયત્ને છોડાવી લેવાનો વિશ્વાસ અપાવ્યો. રાજમહેલે જતાં રસ્તામાં ચોરને પૂછ્યું કે-‘આવી મોટી ભીંત અને ચોકી છતાં ચોરી કેવી રીતે કરી?’ તેણે કહ્યું કે-‘મારી પાસે વિદ્યા છે. અવનામિની વિદ્યાથી ઝાડની ડાળ હું નમાવી શકું છું. અને ઉન્નામિની વિદ્યાથી પાછી મૂળ સ્થિતિમાં મૂકી શકું છું.'
એમ કરતા ચોરને રાજા પાસે ઉપસ્થિત કરવામાં આવ્યો. ખીજાયેલા રાજાએ પ્રાણદંડનું વિધાન કરતાં અભયકુમારે કહ્યું- ‘પિતાજી ! આની પાસે બે ઉત્તમ વિદ્યાઓ છે. તે લઇ લેવી જોઈએ.’ રાજા બોલ્યા- ‘હા, બોલ, તારી વિદ્યા બોલ. અમે શીખી લઈએ.' ચાંડાળ ઘણી વાર બોલ્યો પણ તેના અટપટા અક્ષરો શ્રેણિકને ઘણાં પ્રયત્ન છતાં યાદ ન રહ્યા. અભયકુમારે કહ્યું‘પિતાજી ! આપ ભૂલી ગયા ? ભગવાન શું કહેતા હતા ? તેઓએ ફરમાવ્યું હતું ને કે વિનય વિના વિદ્યા આવડે નહીં.' રાજાએ કહ્યું-‘સાચી વાત છે. શું કરીશું ?' અભયે કહ્યું-‘આપ સિંહાસન ૫૨થી નીચે ઉતરો અને આને ઊંચે આસને બેસાડો, પછી વિદ્યા લો.' રાજાએ તેમ કરતાં તરત વિદ્યા સિદ્ધ થઈ ગઈ. પછી રાજાએ કહ્યું-‘હવે ચોરને ચઢાવી દ્યો માંચડે.’
અભયકુમારે કહ્યું-‘જેણે વિદ્યા આપી તે ગુરુ કહેવાય. તેનો વધ કેમ કરી થાય ?’ એમ કહી ચાંડાળને છોડાવ્યો. નગરને ઉપદ્રવ રહિત કર્યું. વિનય કરવાથી વિદ્યા આવડે છે. સ્થિર અને સફળ થવાય છે માટે વિનયમાં તત્પર રહી વિદ્યા ગ્રહણ કરવી.