________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૪૧
૧૩
વિનય પ્રશંસા
વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમ્યક્ત્વ, સમ્યક્ત્વથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ સંસારનો વૈભવ પણ જે કાર્ય કરી શકતો નથી તે સમજણ-સાનથી થાય છે ને સાન ગુરુઓની કૃપાથી મળે છે અને ગુરુકૃપા વિનયથી મળે છે માટે ગુરુવિનયમાં તત્પર રહેવું.
વિનયપૂર્વક પ્રાપ્ત કરેલ જ્ઞાનફળને ઉત્પન્ન કરે છે. અન્યથા નિષ્ફળ પણ જાય છે. અંત્યજને સિંહાસન પર બેસાડી શ્રેણિકે વિદ્યા ગ્રહણ કરતા તે તરત સિદ્ધ થઈ. તેમ વિનયપૂર્વક શીખેલ શાસ્રસમૃદ્ધિ-આત્માના ઐશ્વર્ય માટે થાય છે.
તેનો પ્રબંધ આ પ્રમાણે છે :
શ્રેણિકની કથા
મગધસમ્રાટ મહારાજા શ્રેણિક એકવાર પરમાત્મા મહાવીરદેવના શ્રીમુખે મહારાણી ચેલ્લણાના સતીત્વની પ્રશંસા સાંભળી રાજી થયા. તેમણે ચેલણાને ગમતો સુંદર એકસ્તંભો મહેલ કરાવવા મહામાત્ય અભયકુમારને કહ્યું. અભયે પ્રસિદ્ધ સૂત્રધારને આજ્ઞા કરતાં તેણે કહ્યું - ‘મહામાત્ય ! રાણીબાને યોગ્ય થાંભલા ઉપર મહેલ બનાવા માટે અસાધારણ ઊંચુ, સરળ, પહોળું અને સબળ લાકડું જોઈએ.' અભયકુમારે તપાસ ક૨વા માણસો જંગલમાં મોકલ્યા. તેમણે જંગલના ઊંડાણમાં એક અતિ વિશાલકાય વૃક્ષ શોધી કાઢ્યું ને મંત્રીશ્વરને સૂચના આપી. અભય પોતે ત્યાં આવી સુગંધથી મહેકતા એ ઘેઘૂર વૃક્ષ જોઈ વિચારવા લાગ્યા. ‘‘આ કોઇ દેવથી અધિષ્ઠિત હોય તેમ લાગે છે. આવું વૃક્ષ મળવું પણ દુર્લભ છે. માટે કદાચ કોઇ યક્ષાદિનો નિવાસ હોય તો તેની આજ્ઞા માટે સ્નાનાદિ કરી, ઉત્તમ ધૂપ, દીપ, ફળ, નૈવેદ્ય આદિ આદરપૂર્વક અનુષ્ઠાન કરી પછી છેદાદિ કરશું.” અને સહુ પાછા ફર્યાં.
તે રાત્રિએ વૃક્ષાધિષ્ઠાયક યક્ષે અભયકુમારને કહ્યું-‘મંત્રી ! શ્રેષ્ઠ અને પ્રાચીન મારૂં સ્થાન છેદ નહીં. તમારી ઇચ્છા પ્રમાણે હું મહેલ બનાવી આપીશ.”
પછી અચિંત્ય શક્તિશાળી તે દેવે મોટો એક થાંભલાવાળો મહેલ બનાવી આસપાસ છએ ઋતુઓના ફૂલ-ફળ સદા મળે એવું ઉપવન બનાવ્યું અને ફરતો ઊંચી દિવાલવાળો પરકોટો તૈયાર કર્યો. લક્ષ્મી જેમ કમળમાં વસે તેમ મહારાણી ચેલ્લણા તે અદ્ભુત મહેલમાં આવી વસ્યા.
એકવાર તે જ નગરમાં રહેતા કોઈક ચાંડાળની સગર્ભા પત્નીને અકાળે આંબા ખાવાનો દોહદ થયો. તેના પતિએ પરકોટાની બહાર સુધી પહોંચેલી ડાળીને વિદ્યાથી નમાવી કેરી તોડી અને ડાળ પાછી સીધી કરી દીધી. પત્નીને કેરી ખવરાવી ઇચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે સવારમાં