________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ લોકો બોલ્યા, “આહાહા ! કેવું શાંત-પ્રસન્ન વદન ! કરૂણામય નયનો, નિરુપમ દયા, કરોડો દેવો સેવામાં !” ઈત્યાદિ કહેવાપૂર્વક તેમણે અષ્ટમહાપ્રાતિહાર્યના વૈભવની વાત કરતાં જણાવ્યું કે- તે મંગળમય પ્રભુના ગુણોનો પાર નથી. ત્રણે લોકના જીવો તેમના ગુણ ગણવા બેસે, તેઓના આયુષ્યનો પણ અંત ન આવે, પરાદ્ધથી ઉપર ગણિત હોય તો કદાચ તેમના સમગ્ર ગુણો ગણી શકાય.'
આ સાંભળી ગૌતમ તો આભા જ બની ગયા કે આ કોઈ સામાન્ય માયાવી નથી લાગતો, ટોળે ટોળા એણે તો ભરમાવી નાંખ્યા. સૂર્યથી અંધારૂ સહન ન થાય તેમ મારાથી આ ખોટું સર્વજ્ઞપણું સહન ન થઈ શકે. કેસરીસિંહના વાળમાં કોણ હાથ નાંખી શકે? મેં તો મોટા મોટા વાદીઓને રમતમાત્રમાં હરાવ્યા છે, આ તો કોઈ પોતાના ઘરમાં જ શૂર લાગે છે એ હારશે ત્યારે એની કેવી વલે થશે? જે પવન હાથીને હડસેલે એની સામે રૂની પુણીનું શું ગજું? ચાલો હમણાં કામ પતાવી લઈએ. એમ વિચારી ઈન્દ્રભૂતિ શ્રી મહાવીરદેવ પાસે જવા તૈયાર થયા. ત્યાં અગ્નિભૂતિ આવીને બોલ્યા- “ભાઈ ! આ સાધારણ વાદી પાસે આપને જવાની શી જરૂર? આપ મને આજ્ઞા કરો, હું હમણાં જ એને હરાવી પાછો આવું. કમળને ઉખાડવા કાંઈ હાથીની જરૂર ન પડે.'
ઇન્દ્રભૂતિ ગૌતમ બોલ્યા- ભાઈ ! હું સારી રીતે જાણું છું કે હું કે તું તો શું પણ મારો શિષ્ય પણ આ નવા સર્વશને જીતી શકે તેમ છે, પણ હવે મારાથી રહેવાતું નથી. હું જઈશ તો જ શાંતિ વળશે. આશ્ચર્યની વાત તો એ છે કે સમસ્ત વાદીઓને હું જીતવા નીકળ્યો ત્યારે આ ખીચડીના કોરડુ મગની જેમ કેમ જીતાયા વિના રહી ગયો? ક્યાંક છુપાઈ-કે દૂર દેશાંતર ચાલ્યો ગયો હશે? એક નાનકડું પણ કાણું મોટા વહાણને ડૂબાડી શકે છે તેમ આ એક વાદી પણ જો બચી જાય તો મારા યશ માટે મોટું જોખમ પેદા થાય. ગૌડદેશના પંડિતો તો મારું નામ સાંભળી ક્યાંય દૂર દેશાંતરે ચાલ્યા ગયા. ગુર્જરદેશના પંડિતો મારા, ભયથી જર્જરિત થઈ ત્રાસી ગયા, માળવાના તો કેટલાક પંડિતો મારા ભયથી અકાળે મૃત્યુ પામ્યા અને તિલંગદેશના પંડિતો બિચારા તલ જેવા બની ગયા.”
મારી સામે વાદમાં ટકી શકે એવું કોઈ જ નથી. આ વાદી કોઈ દેડકો કાળોતરને લાત મારવા કરે તેવું દુઃસાહસ કરવા તૈયાર થયેલ છે. કોઈ બળદ ઐરાવત હાથીને શીંગડા મારવા દોડે-કોઈ હાથી પોતાના દંતશૂળથી પર્વત ખોદવા ઇચ્છે અને ન ફાવે તેમ આ સર્વજ્ઞ ફાવી શકે તેમ નથી, પણ તેણે અહીં આવીને પોતાની બડાઈ બતાવી સૂતેલા સિંહને જગાડવા જેવું કર્યું છે. અરેરે ! એ બિચારાને જીવિકા અને યશ બંને ખોવાનો વારો આવ્યો. અરે ! આણે તો સામે પવને તાપણું કર્યું. શરીરે આનંદ માટે કૌંચાની ફળી ઘસી. શેષનાગનો મણિ લેવા હાથ લંબાવ્યો. એને એટલો ય વિચાર ન આવ્યો કે આગિયા, તારા કે ચંદ્રમાની ચમકનું સૂર્યોદયે શું થશે? મદ ઝરતો હાથી ભલે મેઘની જેમ ગર્જે પણ સિંહનાદ થતાં એની કેવી કફોડી દશા કે જાય નાઠો, હશે ! એના નસીબ ! દુષ્કાળમાં ભૂખ્યાને અન્નની જેમ એ મને મળ્યો છે.