________________
૩૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ કર્યું. પંદર દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાપનો પણ ક્ષય થયો. આમ અંતકૃતકેવળી થઈ તેઓ મોક્ષ પામ્યા. સદા માટે દુઃખથી છૂટી ગયા.
પરમાત્માની વાણીના પ્રતાપે, રોજ સાત-સાત માણસોની હત્યા કરનાર અર્જુનમાળી દીક્ષા ને ઘોર અભિગ્રહ ધારી છ મહિનામાં કેવળજ્ઞાન પામી મુક્ત થયા. સુદર્શન પણ સ્વર્ગે ગયા.
માટે હે ભવ્યો ! આગમશ્રવણમાં આદરયુક્ત ચિત્તવૃત્તિવાળા શ્રેષ્ઠિપુત્ર સુદર્શનનું જીવનકવન સાંભળી, સંસારસાગર તારવામાં નાવ જેવી શ્રી વીતરાગની વાણી સાંભળવામાં પ્રયત્નશીલ બનો.
૧૦
ધર્મનો અનુરાગ ધર્મનો રાગ એ સમ્યકત્વનું બીજું લિંગ છે. રાગદ્વેષને જિતનારા શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ ધર્મ ઉપર અંતરંગ રાગ આવશ્યક છે. સાધુ, મહારાજ અને શ્રાવકને આચરવાનો બે ભેદવાળો ધર્મ છે. શુક્રૂષામાં શ્રુતધર્મનો અને અહીં ચારિત્રધર્મનો રાગ બતાવેલ છે. ધર્મ ઉપરના તીવ્ર રાગથી ચિલાતિપુત્રની જેમ જીવો તરત જ દુષ્ટ પાપનો નાશ કરી શકે છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે.
ચિલાતિપુત્રની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં યજ્ઞદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો. તેને પરમાત્મા જિનેન્દ્રદેવના અકલંક ધર્મની નિંદા કરવાની આદત પડી ગયેલી અને તેમ કરીને તે પોતે સારું કાર્ય કરે છે એવો ઘમંડ લઈને ફરતો. મારી સાથે કોઈ વાદ કરી શકે તેમ નથી એવી એ બડાઈ હાંકતો. એકવાર એક જૈનમુનિએ એના આહ્વાનને સ્વીકારી લીધું. ઉત્તરમાં એણે ઘોષણા કરી કે-“મને જે જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.” સાક્ષીઓની સામે વાદ-શાસ્ત્રાર્થ શરૂ થયો, એમાં બ્રાહ્મણ ભૂંડી રીતે હારી ગયો. ભાવ વગર દીક્ષા લઈ શિષ્ય થયો. એકવાર શાસનદેવીએ તેને કહ્યું- “હે વિપ્રમુનિ ! અજવાળાં વિના આંખ પણ જોઈ શકતી નથી, તેમ જ્ઞાનવાન ચારિત્ર વિના તેનું ફળ પામી શકતો નથી. જ્ઞાનનું પરિણામ જ ચારિત્ર છે.' ઇત્યાદિ સાંભળી તે ધીરે ધીરે ચારિત્રમાં ઉપયોગી થયો, પણ પૂર્વના સંસ્કારના લીધે સ્નાનાદિની, મુખશુદ્ધિની સગવડ ન મળવાથી તેને ચિત્તમાં ગ્લાનિ રહેતી હતી. વારે વારે તે આ અણગમો બતાવ્યા કરે. તેમની પત્ની ગાઢ સ્નેહને કારણે ત્યાં આવી ઘેર આવવાની ભલામણ કરતી. પણ મુનિ ધર્મમાં ઊંડી લાગણી અને પ્રીતિવાળા હોઈ તેની વાત માનતા નહીં. એકવાર તેણીએ વશીકરણ પ્રયોગ કરાવ્યો. મુનિ આયુ પૂર્ણ થવાથી સ્વર્ગે સિધાવ્યા પણ બ્રાહ્મણીને લાગ્યું કે કામણ કરવાથી જ મુનિનું મૃત્યુ થયું. ઋષિહત્યાનું પાતક લાગ્યું. હવે શું