________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ જન્મજાત દરિદ્રી. તેમને એક પુત્ર થયો, નામ રાખ્યું નંદિષેણ. બાળક મોટું થાય તે પહેલાં તો તેના મા-બાપ ગુજરી ગયાં. ઠેબાં ખાઈ તે મોટો થયો, પણ તેનું આખું શરીર બેડોળ અને કદરૂપું હતું. બિલાડા જેવી આંખો, ગોળી જેવું મોટું પેટ, લાંબા અને લબડતા હોઠ, મોઢામાંથી બહાર નીકળતા દાંત, આમ આખું શરીર વિચિત્ર હોઈ બાળકો જ નહીં પણ કદીક ઢોર પણ ડરી જતાં. બધે ઘણા ઠેબા ખાવા છતાં કોઈએ ન રાખ્યો. પણ તેના મામાને દયા આવતાં તેણે રાખ્યો અને ઢોર ચારવાનું કાર્ય સોંપ્યું. નંદિષણને યુવાનીમાં પરણવાના ઘણા અભરખા થતા, મામા પણ તેને પરણાવવા પ્રયત્ન કરતા પણ કેમ કરી ક્યાંય કોઈ કન્યા ન મળી, તે ઘણો ખિન્ન થયો ત્યારે તેને મામાએ કહ્યું- તું શા માટે બળાપો કરે છે? કોઈ નહીં આપે તો મારી સાત કન્યામાંથી એક તને આપીશ.” આ સાંભળીને નંદિષેણને આશા ફળતી દેખાણી, પણ મામાએ એક પછી એક સાતે યુવાન કન્યાઓને નંદિષેણ સાથે પરણવા સમજાવ્યું પણ એકે ન માની, દબાણ કરતાં જણાવ્યું કે-“આત્મહત્યા કરીશું પણ આ તમારા ઊંટ જેવા ભાણાને પરણશું નહીં.' મામાએ લાચારી બતાવી એટલે નંદિષેણ તો સાવ હતાશ અને સુનમુન થઈ ગયો.
ખાવું પીવું ભાવે નહીં ને રાતે ઊંઘ આવે નહીં. આખરે ઘર છોડી જંગલનો રસ્તો લીધો. કાંઈ પણ ન સૂઝવાથી તેણે પર્વત પરથી પડી મરવાનું નક્કી કર્યું. પર્વતના શિખર પરથી એ પડવા જતો હતો ત્યાં અવાજ આવ્યો “નહીં નહીં, આ દુસાહસ ન કર' તેણે આસપાસ જોયું તો સમીપના વૃક્ષ નીચે એક મુનિને જોયા. પાસે જઈને તે બોલ્યો-“ભગવંત ! નિર્ભાગ્યશેખર છું. મારા દુઃખનો કોઈ પાર નથી. જન્મથી જ સુખ જોયું નથી. હવે મારે મરવા વિના બીજી ગતિ નથી.' મુનિ બોલ્યા-“અને જો મરવા છતાં દુઃખ ન ટળ્યું તો શું કરીશ? શું મરવાથી દુઃખો જશે અને સુખ મળશે એમ? પરના જીવનો ઘાત કરવાથી જેમ પાપ લાગે તેમ પોતાના જીવનો ઘાત કરવાથી પણ પાપ લાગે. એક પાપનું ફળ તો તું ભોગવે છે ને પાછું બીજું કરવા તૈયાર થયો છે? આમ કરવાથી તને સુખ તો નહીં મળે ઉલટાનું આખું ભવિષ્ય ખરાબ થઈ જશે.”
તેણે ગુરુજીને પૂછ્યું કે- દુઃખથી છૂટવા મારે કરવું?” તેમણે જણાવ્યું કે-“સર્વ સુખનું કારણ અને સર્વ દુઃખનું નિવારણ એક માત્ર અરિહંતનો ધર્મ છે. ઈત્યાદિ કહેવાપૂર્વક તેને ધર્મ સમજાવ્યો. તે સમજ્યો-બોધ પામ્યો. તેમની પાસે દીક્ષા લીધી. વિનયપૂર્વક ગુરુસેવા અને શ્રુતાભ્યાસ કરી નંદિષેણ મુનિ વિદ્વાન થયા. તેમણે એવી ઘોર પ્રતિજ્ઞા કરી કે આખું જીવન છઠ્ઠને પારણે આયંબિલ અને આયંબિલ ઉપર છઠ્ઠ કરવો. જયાં હોઉં ત્યાં સાધુ સમુદાયમાં ગ્લાન, વૃદ્ધ આદિની સેવા-વૈયાવૃત્ય કર્યા પછી જ આયંબિલ કરવું.
થોડા સમયમાં જ નંદિષેણ મુનિ તપસ્વી અને વૈયાવચ્ચી તરીકે પ્રસિદ્ધ થયા. તેમની પ્રશંસા માણસો જ નહીં દેવતા પણ કરવા લાગ્યા. તપ અને ત્યાગના વખાણ કોણ ન કરે ? એકવાર દેવોથી ભરેલી સભામાં ઇન્દ્ર નંદિષેણમુનિની વૈયાવચ્ચની ઘણી પ્રશંસા કરી, પણ બે દેવતાને વિશ્વાસ ન થયો.