________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
તેઓ મુનિનું રૂપ લઈ પરીક્ષા કરવા આવ્યા. મુનિ નંદિષેણ આયંબિલ કરવા બેસતા હતા ત્યાં ઉતાવળે મુનિરૂપધારી દેવે કહ્યું- “કેમ બહુ ભૂખ લાગી છે? તમે તો મોટા અભિગ્રહધારી, ગામ બહાર એક અતિરોગી મુનિ પીડાઈ રહ્યા છે. પાણી વિના જીવ તાળવે આવી લાગ્યો છે. તમે ખબર નથી?' આ સાંભળતાં જ નંદિષેણ મુનિ ઉભા થઈ ગયા. રોગી મુનિ માટે તેઓ પાણી લેવા ગયા જ્યાં જાય ત્યાં દેવતા પાણી ન લેવા યોગ્ય કરી નાખે. ઘણું કરીને છેવટે એક ઘરેથી તેમણે શુદ્ધ પાણી મેળવ્યું અને રોગી મુનિ પાસે આવ્યા. તેમને ઝાડા થઈ ગયા હોઇ આખું અંગ ગંદું અને માથું ફાટી જાય તેવી દુર્ગધ ફેલાઈ ગઈ હતી.
છતાં તેમણે જરા પણ અકળાયા વગર શરીરની શુદ્ધિ કરી, સેવા કરી વિચાર્યું કર્મ આગળ કોનું જોર ચાલે છે? આવા સંતને કેવી વેદનાનો ઉદય થયો છે! ચાલો હું તેમને ઉપાશ્રયે લઈ જાઉં' એમ કહી તેમને ખભે બેસાડી નંદિષેણ મુનિ ગામ ભણી ચાલ્યા. પણ રોગી મુનિ તો ખભે બેઠા તેવા ઝાડા શરૂ થઈ ગયા. નંદિષેણમુનિનું આખું શરીર ભરાઈ ગયું. દુર્ગધનો પાર ન રહ્યો, છતાં જરાય અણગમો ન આણ્યો. ઉપાશ્રયે આવી તેમની શુદ્ધિ કરી શય્યા પર સૂવરાવ્યા ને વિચારે છે કે -અરે ! હું કેવો હતભાગી કે હજી સુધી આમને માટે કાંઈ ઔષધ લાવ્યો નથી. વૈયાવચ્ચમાં જરાય ખેદા લાવ્યા વગર પોતાના આત્માને નિંદે છે. દેવોએ તેમની સાચી ભક્તિ અને દઢ પરિણામ જોઈ તે બંને દેવો પ્રગટ થયા. સુગંધી જળ-પુષ્પની વૃષ્ટિ કરી, નમસ્કાર અને ગુણગાન કરી-ખમાવી સ્વર્ગે ગયા. આમ નંદિષેણ મુનિએ વૈયાવચ્ચ સાથે ઘણું ઘોર તપ પણ કર્યું છેવટે અણસણ લીધું ત્યારે ચક્રવર્તી પોતાની પત્નીઓ સહિત તેમને વંદન કરવા આવ્યો. અતિસ્વરૂપવાન નમણી રમણીઓને મૂલ્યવાન આભૂષણાદિથી સજેલી જોઈ તે મુનિએ એવું નિયાણું કર્યું કે-“જો આ તપ-સંયમનું કાંઈ ફળ હોય તો હું આવતા ભવમાં સ્ત્રીઓને વહાલો થાઉં અંતે કાળ કરી તેઓ સાતમે સ્વર્ગે દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી સૌરીપુર નગરના રાજમહેલમાં અંધકવિષ્ણુના પત્ની સુભદ્રાની કુક્ષીએ દશમા દિકરા તરીકે જન્મ્યા ને તેમનું નામ વસુદેવ રાખ્યું. પૂર્વભવમાં બાંધેલ નિયાણાએ એટલા બધા મોહકરૂપવાળા થયા કે લોકો મુગ્ધ થઈ તેમને જોતાં જ રહી જાય.
તેઓ યુવાન થયા, તે બહાર કયાંય જાય તો સ્ત્રીઓ તેને જોઈ જ રહે, અરે ! કેટલીક તો. પોતાના કામ પડતા મૂકી પાછળ-પાછળ ફર્યા કરે, કેટલીયવાર સુધી માર્ગમાં ઉભી રહી વાટ પણ જોયા કરે. આ વાત મહારાજા સમુદ્રવિજય પાસે આવતા તેમણે વસુદેવને કહ્યું કે-આપણે રાજકુમારને જ્યાં ત્યાં ફરાય નહીં. વળી આપણા શત્રુઓ પણ ઘણા હોઇ મહેલમાં રહેવું અને નવી કળાઓનો અભ્યાસ કરવો. પછી તેમણે બહાર હરવું-ફરવું બંધ કરી દીધું.
એકવાર દાસી વિલેપનનો વાટકો લઈ જતી હતી. વસુદેવે પૂછ્યું-“શું લઈ જાય છે?” દાસી કાંઈ બોલી નહીં અને સંતાડી જવા લાગી. વસુદેવે તેની પાસેથી ઝુંટવી લીધું અને પોતાના અંગે ચોપડી પૂરું કર્યું. દાસી બોલી-અમથા મહેલમાં નથી ગોંધી રાખ્યા, તમારા લખણે બંદી બનાવ્યા છે.” આ સાંભળી વસુદેવે દાસી પાસેથી બળપૂર્વક બધી બાતમી મેળવી રાત્રે નગર છોડી