________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૩૫
દૂર ફેંકી દીધી. પછી વિચાર્યું ‘વિવેક એટલે શું ?’ હા સમજ્યો. ‘કાર્ય-અકાર્યની સમજણ. તે મારામાં ક્યાં છે ? આ અકાર્ય અને અનર્થનું સૂચક સુસીમાનું માથું તો મારા હાથમાં છે.’ અને તરત તેણે મસ્તક છોડી દીધું. એનો વિચારવેગ આગળ વધ્યો, ‘આ સંવર એટલે શું ? સંવરણ કરવું, નિયંત્રણ કરવું, શાનું ?' ઓહ, સમજ્યો. ‘ઈન્દ્રિયોનું-મનનું સંવરણ કરવું. પણ તે તો મારામાં જરાય નથી. હું સ્વચ્છંદી મટી ધર્મમાં ઉદ્યમ કરું તો કાંઇક થાય.' એમ વિચારી જ્યાં મુનિ ધ્યાનમાં ઉભા હતા ત્યાં જ એ ધ્યાનમાં સ્થિર થઇ ગયો અને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ હત્યા યાદ આવે ત્યાં સુધી અહીંથી ડગવું નહીં અને એ દૃઢ મનોબળથી ધ્યાનમાં લીન થઈ ગયા. થોડી જ વારમાં જંગલની મોટી મોટી કીડીઓ સુસીમાના લોહીથી ખેંચાઈ ત્યાં આવી. લોહીથી ખરડાયેલા ચિલાતિના અંગોમાં ચટકા ભરવા લાગી તેમ કરતા તાજું લોહી નિકળવા લાગ્યું કે કીડીઓ ઉભરાવા લાગી. ચટકા ભરતી કીડીઓએ ચિલાતિપુત્રનું શરીર ચાલણીની જેમ છિદ્રવાળું કરી નાખ્યું. કીડીઓ એક તરફ ઘૂસીને બીજી તરફ આરપાર નિકળવા લાગી છતાં ચિલાતિપુત્ર ધ્યાનભંગ થયો નહીં. અઢી દિવસ સુધી તેણે આ ઘોર વેદના શાંતિથી સહી અને સમાધિપૂર્વક મૃત્યુ પામી આઠમા દેવલોકમાં દેવ થયો.
ધર્મરાગની બુદ્ધિથી ચિલાતિપુત્રે સાક્યના ભાવાર્થ જાણી ઘણાં પાપોનો નાશ કર્યો. તેમ હે ભવિકો ! તમે ધર્મરાગે પાપનો નાશ કરો જેથી મોક્ષસુખની સંપદા તમારા હાથમાં રમણ કરે.
૧૧ દેવ-ગુરુની સેવા
શ્રી જિનેશ્વરદેવ અને ગુરુ મહારાજની વૈયાવચ્ચ સ્વરૂપ સમ્યક્ત્વના ત્રીજા લિંગ (ચિહ્ન)નું વર્ણન કરવામાં આવે છે.
અઢારદોષ રહિત, રાગ-દ્વેષને જિતનારા જિનદેવ કહેવાય. જે ગુણ (તત્ત્વ)ને ગ્રહણ કરાવે તે પાંચ આચારવાન ગુરુ મહારાજ કહેવાય. તેમની અશન-પાન-ખાદિમ-આદિ સંયમને ઉપકારક પદાર્થો બહુમાનપૂર્વક આપવાથી અને શ્રી જિનરાજ પ્રભુની દ્રવ્ય-ભાવાદિ ભેદવાળી પૂજા કરવાથી વૈયાવચ્ચ થાય છે. જીવને આથી મોટી ઉપલબ્ધિ અને મહાલાભ થાય છે. આ અપ્રતિપાતિ ગુણ છે. સમ્યક્ત્વનું આ ત્રીજું લિંગ છે.
નંદિષેણ મુનિની કથા
શ્રેષ્ઠભાવપૂર્વક સાધુ ભગવંતોનું વૈયાવચ્ચ કરનારા મહાનુભાવો નંદિષણમુનિની જેમ શુભકર્મ ઉપાર્જન કરે છે. નંદીગ્રામમાં સોમિલ બ્રાહ્મણ વસે, તેની પત્ની સોમિલા. બિચારા