________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ પૂછયું-“અભય! શું કર્યું?” તે બોલ્યો-“સળગાવી દીધું.” સાંભળી શ્રેણિક ખીજાઈને બોલ્યા, “ભારે ઉતાવળીયો. આજે તારી બુદ્ધિ નાસી ગઈ? ચાલ આઘો ખસ, તારું મોટું મને બતાવીશ નહીં. અભયે કહ્યું- “મારે તો આપનું વચન પ્રમાણ છે. અભયે સમવસરણ તરફ રથ દોડાવ્યો અને પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શ્રેણિકે દોડતે રથે રાણીવાસ પાસે આવીને જોયું તો મહેલ પાસેના ઘાસ ભરવાના ઝુંપડા જેવા મકાનો બળી ગયાં હતાં અને રાણીઓ આનંદમાં હતી, રાજાએ વિચાર્યું; ક્યાંક અભય દીક્ષા ન લઈ લે. કેમકે “ચાલ આઘો ખસ, તારું મોટું મને બતાવીશ નહીં. એમ મારાથી કહેવાઈ ગયું છે. અને મારતે ઘોડે શ્રેણિક સમવસરણમાં આવ્યા. ત્યાં અભયકુમારને મુનિવેશમાં જોઈ બોલ્યા, “આખરે હું ઠગાઈ ગયો, તમે તમારું કામ કરી લીધું. આટલો વખત મેં તમને દીક્ષામાં અંતરાય કર્યો તે ખમાવું ” ઈત્યાદિ કહી તેમની પ્રશંસા-વંદના આદિ કરી શ્રેણિક પાછા વળ્યા. અભયકુમાર પણ શ્રી મહાવીર પ્રભુની ચરણસેવા કરી શ્રુતાભ્યાસ ને તપશ્ચર્યા આદિથી શ્રમણધર્મ આરાધી પ્રાંત અણસણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપન્યા.
હે ભવ્યો ! તમને મુક્તિમહેલમાં પહોંચવાની ઉત્કંઠા હોય તો તમે પણ સર્વ ગુણના નિલય જેવી પરમાર્થસંસ્તવ નામની શ્રદ્ધાને અભયકુમારની જેમ આદરો.
ગીતાર્થસેવા-બીજી શ્રદ્ધા. પરમાર્થના જાણકાર અર્થાત્ સૂત્રના જાણ, અર્થના મર્મજ્ઞને આશયના બોધવાળા, એવા ગીતાર્થ (ગીત=સૂત્ર, અર્થ-આશય) સંયમી, જ્ઞાની, શ્રદ્ધાવાન ગુરુઓનું મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક સેવન કરવું. વિનય-બહુમાનપૂર્વક પરિચય કરવો, વિનયાદિ વિના પરિચયાદિ વ્યર્થ નિવડે છે. મહાફળવાળી ગીતાર્થની સેવનારૂપ આ બીજી શ્રદ્ધા પદાર્થના યથાર્થ બોધમાં ઉપકારક છે. તેથી જ્ઞાનપુષ્ટ અને સમ્યકત્વ નિર્મળ થાય છે, ગીતાર્થોની સેવામાં સાવધાન પુષ્પચૂલા નામના મહાસાધ્વી ઘાતકર્મના ક્ષયે કેવળજ્ઞાન પામ્યા.
ભરતક્ષેત્રની શોભા જેવું પૃથ્વીપુર નામનું નગર. ત્યાં પુણ્યકેતુ રાજા રાજ્ય કરે તેમને પુષ્પાવતી નામની નમણી રાણી અને પુષ્પચૂલ-પુષ્પચૂલા નામના સુંદર પુત્ર-પુત્રી. આ ભાઈબહેન સાથે જ જન્મેલા. તેમનો એવો સ્નેહ હતો કે એક-બીજા જૂદા પડતાં નહીં અને જૂદા રહી શકતા નહીં. દિવસો જતાં તે યુવાન થયાં, જેમ વય વધતી ગઈ તેમ આ સ્નેહ પણ આશ્ચર્ય ઉપજાવે તેમ વધતો ગયો. રાજાએ સંતાનના સુખ માટે ઘેલછાભર્યો વિચાર કર્યો અને કેટલાક દરબારી અને આગેવાનોને ભોળવી પુત્ર-પુત્રીને આપસમાં પરણાવી દીધા. રાણીએ ઘણો વાંધો લીધો કે સગાભાઈ-બહેનનો આ વ્યવહાર તમે ઉભો કરી મહાઅનર્થ કર્યો છે. પણ કાંઈ વળ્યું નહીં. પુષ્પચૂલ અને પુષ્પચૂલા ભાઈ-બહેન મટી પતિ-પત્ની બની ગયાં. આથી વિરક્ત થઈ રાણી