________________
૫૮ શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે :
“તંત્ર, મંત્ર, ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવરના કોઈ ઉપાય.” વળી સમ્યકત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે એ સંબંધમાં શ્રી અષ્ટપાહુડમાં નીચે પ્રમાણે કહ્યું છે - શ્રાવકે પ્રથમ શું કરવું તે કહે છે - અર્થ: પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવ નિષ્કપ, અચળ અને ચળ, મલિન તથા અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચલ એવા સમ્યકત્વને ગ્રહણ કરીને તેને (સમ્યકત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું; શા માટે ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું. ભાવાર્થ: શ્રાવકે પહેલાં તો નિરતિચાર, નિશ્ચલ સમ્યકત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય, કાર્યના બગડવા-સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય. સમ્યગ્દષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વ જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માંની સુખી-દુઃખી થવું તે નિષ્ફળ છે. આવા વિચારથી દુઃખ મટે તે પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે. મોક્ષપાહુડ ગાથા ૮૭માં સમ્યકત્વના ધ્યાનનો મહિમા કહે છે - અર્થ : જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જીવ સમ્યગ્દષ્ટિ છે; વળી તે સમ્યકત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો નાશ થાય છે. ભાવાર્થ સમ્યકત્વનું ધ્યાન એવું છે કે જો પહેલાં સમ્યકત્વ ન થયું હોય તો પણ તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવના પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે, સમ્યકત્વ થતાં જ કર્મની ગુણ શ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે.
હવે આ વાતને સંક્ષેપમાં શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે : “ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં થશે તે સમ્યકત્વનું માહાત્મ જાણો !” (મોક્ષપાહુડગા. ૮૮) | મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓનો શું ધર્મ હોય ! આ સમ્યકત્વ ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે. જે નિરંતર સમ્યકત્વને પાળે છે તે ધન્ય છે.
“લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ તથા વિવાહ, યજ્ઞાદિ કરે છે તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણા શાસ્ત્રો ભણે તેને પંડીત કહીએ” – એ બધું કથનમાત્ર છે.
મોક્ષનું કારણ જે સમત્વ તેને જે મલિન ન કરે, નિરતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે; એ સમ્યકત્વ વિના મનુષ્ય પશુ સમાન છે. એવું સમ્યકત્વનું માહાત્મ શાસ્ત્રોમાં કહ્યું છે.