________________
૫૩૮
૧) રાગ, પર્યાય અને ગુણભેદ તે વ્યવહાર નયનો વિષય છે. તે ત્રિકાળી વસ્તુમાં નથી, તેથી ભેદરૂપ વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે, નિશ્ચય નયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ વસ્તુ એક જ ભૂતાર્થ હોવાથી તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૨) સાધકને તો આત્માનો અનુભવ થઈ ગયો છે અને શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે એટલે સુખ સાથે કિંચિત દુઃખ પણ છે. પૂર્ણ શ્રદ્ધા સાથે રાગ પણ છે. બન્ને ધારા એક વધતી બીજી ઘટતી સાથે વર્તે છે. બન્ને સાથે છે, તેથી શું એકને કારણે બીજું છે? શું દુઃખ છે માટે સુખ છે? ના. બસ! બન્ને સાથે હોવા છતાં વ્યવહાર છે માટે નિશ્ચય છે એમ નથી. વ્યવહારના - રાગના આશ્રયે બંધન છે – દુઃખ છે. નિશ્ચયના આશ્રયે સુખ છે - મુક્તિ છે એમ બન્ને ભિન્ન ભિન્ન સ્વરૂપે વર્તે છે. ૩) ખરેખર તો ત્રિકાળી દ્રવ્ય જ નિશ્ચય છે. પરંતુ કઈ અપેક્ષાએ વસ્તુને બતાવવી છે એ પ્રમાણે જુદું કહેવામાં આવે છે. કર્મને વ્યવહાર કહેવો હોય ત્યારે રાગને નિશ્ચય કહેવાય, કારણ કે પોતાની પર્યાયમાં થાય છે. રાગને વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્મળ પર્યાયને તેનાથી ભિન્ન બતાવી તેને નિશ્ચય કહેવાય. અનુભૂતિની પર્યાય તે વ્યવહાર છે છતાં દ્રવ્ય તરફ ઢળી છે તેથી તેને નિશ્ચય કહીને અનુભૂતિને જ આત્મા કહ્યો છે. એમ અપેક્ષાથી નિશ્ચયનયના ઘણા પ્રકાર પડે છે. દરેક વખતે એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરી તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. નિશ્ચયને મુખ્ય કરી તેનો આશ્રય કરવા કહ્યું છે, વ્યવહારને ગૌણ કરી તેનો નિષેધ કર્યો છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. ૪) શુદ્ધ નિશ્ચય નયના બળથી વ્યવહાર નયને હેય કહ્યો છે. તે હેયરૂપ વ્યવહાર નયના વિષયમાં ઉદયાદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. અરે ! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહાર જીવ ગણીને હેય કહ્યા છે. નિમિત્તને, રાગને પર સ્વભાવ ગણી હેય કહ્યા છે, પણ અહીં તો દષ્ટિના વિષયમાં અભેદનું જ્ઞાન કરાવવા નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહી, પરદ્રવ્ય કહી હેય કહી છે. નિર્મળ પર્યાય પર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ અને પરદ્રવ્ય કહીને હેય કહી છે. આવું નિશ્ચય અને વ્યવહારનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવું. ૫) જે વ્યવહાર જિનેન્દ્ર ભગવાને જોયો છે અને તેમણે કહ્યો છે તેવા વ્યવહારનું પાલન કરવા છતાં જે જીવ આત્માનો-નિશ્ચયનો આશ્રય લેતો નથી તેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ પ્રગટ થતો નથી. બીજાએ કહેલાં વ્યવહારની તો વાત નથી, સર્વજ્ઞ ભગવાને કહેલા વ્યવહારનો પણ નિશ્ચયમાં નિષેધ થાય છે. ૬) વ્યવહારનો નિષેધ કરવાથી જીવ અશુભમાં ચાલ્યો જશે એ બીક કે શંકા રાખવાની જરૂર નથી. જે શુભ રાગરૂપ વ્યવહારમાં આવ્યો છે તે અશુભને છોડીને તો આવ્યો છે, હવે તેને સ્વનો-નિશ્ચયનો આશ્રય કરાવવા - અનુભૂતિ કરાવવા નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરાવવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે ત્યાં અશુભમાં જવાની વાત જ ક્યાં છે?