________________
૫૯૯
આત્માના સ્વભાવમાં નથી. આખી ચૈતન્ય વસ્તુને એક સમયના વિકારવાળી માનવી તે અધર્મ છે. આત્માનો સ્વભાવ તો એક સમયમાં બધું જાણે તેવા સામર્થ્યવાળો છે. આત્મા અનંત ગુણોથી પરિપૂર્ણ છે તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થાને અંતરમાં વાળીને કાયમી સ્વભાવ સાથે એકરૂપ કરવી અને પૂર્ણ ચૈતન્યદ્રવ્યને શ્રદ્ધામાં સ્વીકારવું તેનું નામ ધર્મની શરૂઆત છે.
નિમિત્તથી, વિકારથી કે પરાશ્રયથી જેઓ ધર્મ માને - મનાવે એવા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા તો સમ્યક્ત્વના જિજ્ઞાસુએ પહેલે ધડાકે જ છોડી દેવી જોઈએ. અને વર્તમાન જ્ઞાનની અધૂરી દશાના આશ્રયે કલ્યાણ થાય એ માન્યતા પણ છોડી દેવી જોઈએ. અનંત ગુણોથી પરિપૂર્ણ આત્મા છે, તેની શ્રદ્ધા કરવી તે જ પરમાર્થ સમ્યગ્દર્શન છે.
તેમજ પોતાની પર્યાયમાં સાચા દેવ-ગુરુની પ્રશંસા વગેરેનો જે શુભ ભાવ થાય તે શુભ રાગમાં પણ સંતોષ ન માની લેવો, તે રાગને ધર્મનું કારણ ન માનવું; અને જ્ઞાનના પરાશ્રિત ઉઘાડની પ્રશંસા કે અહંકાર પણ છોડવો. વર્તમાન પર્યાયને અભેદ પરિપૂર્ણ સ્વભાવની સન્મુખ કરીને તેની પ્રતીતિ કરે તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
સર્વજ્ઞદેવે જેવો આત્મા કહ્યો છે તેવો ઓળખીને, અંતરમાં રુચિ વાળીને દ્રવ્યસ્વભાવમાં પર્યાયની અભેદતા થાય ત્યારે આત્માને જ્ઞાતા-દૃષ્ટા માન્યો કહેવાય. અંતરમાં પર્યાય વળીને તેનું વેદન - સ્વસંવેદન - અનુભવન થવું જોઈએ.
તારા હિત માટે તારા અંતર્મુખ સ્વભાવમાં જો ! તારા પૂર્ણ સ્વરૂપને દૃષ્ટિમાં લે ભાઈ ! આખા ચૈતન્યનો સ્વીકાર કરનાર જીવ સમ્યગ્દષ્ટિ છે.
૨. નવ તત્ત્વના ભેદની શ્રદ્ધા છોડીને, અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કરવી તે પરમાર્થ સમ્યક્ત્વ છે. અખંડ ચૈતન્યસ્વભાવની આશ્રયે નવ તત્ત્વનું રાગ રહિત જ્ઞાન થઈ જાય છે.
“ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ ને આસવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે.’’
અહીં નવ તત્ત્વોને ભૂતાર્થ નયથી જાણવા તેને સમ્યક્ત્વ કહ્યું છે. ભૂતાર્થ કહેતાં નવ તત્ત્વના ભેદનું લક્ષ છોડીને અંતર ચૈતન્યસ્વભાવ તરફ વળવાનું આવ્યું. ભૂતાર્થ એકરૂપ સ્વભાવ તરફ વળીને નવ તત્ત્વોનું રાગ રહિત જ્ઞાન કરી લીધું એટલે કે નવ તત્ત્વોમાંથી એકરૂપ અભેદ આત્માને તારવીને શ્રદ્ધા કરી તે ખરેખર સમ્યક્ત્વ છે.
નવ તત્ત્વોને નવ તત્ત્વ તરીકે જુદા માનવા તે રાગ સહિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે; ને નવ તત્ત્વના વિકલ્પથી પાર થઈને અભેદ ચૈતન્યતત્ત્વની અંતરદષ્ટિ કરે તે પરમાર્થ શ્રદ્ધા છે. ૩. અરે ! હું કોણ છું ? ને મારું સ્વરૂપ શું છે ? કયા કારણે મને આ સંસાર ભ્રમણ છે ને કયા કારણો વડે તે ભ્રમણ મટે ? આવી યથાર્થ વિચાર દશા પણ જીવને જાગી નથી. એવી વિચાર દશા જાગે, નિર્ણય