________________
૨૪૨ ૫) પાંચમી અજ્ઞાનતા ઇશ્વરને જગતના હર્તા-કર્તા માનવાની છે. તેને પરમાત્માનું સ્વરૂપ વીતરાગી છે એ જાણપણું નથી. આ જગતનું કાર્ય સ્વયંસંચાલિત છે અને પરમાત્મા એના જ્ઞાતા છે. ૬) છઠ્ઠી અજ્ઞાનતા સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી છે. અનંત તીર્થકરોએ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે, જ્યારે અજ્ઞાનીઓએ વ્રત, તપ, જપ, પૂજા-ભક્તિ, દયા-દાનને(શુભ પરિણામોને) મોક્ષ માની લીધું છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર વીતરાગી છે એના સત્ સ્વરૂપને એ જાણતો નથી. ૭) સાતમી અજ્ઞાનતા તત્ત્વ સંબંધી' છે. જ્યાં તત્ત્વજ્ઞાન સાચું નથી ત્યાં અનંતાનુબંધી કષાય થાય છે. નિમિત્તને કર્તા માનવું એ અનંતાનુબંધી કષાયનો જન્મ છે. પોતાના સત્ સ્વરૂપનું - સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ કેવું છે તેની શ્રદ્ધા નથી. ઉપાદાન-નિમિત્ત, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય-વ્યવહાર એ બધા તત્ત્વોનો અભ્યાસ અને સમજણ ન હોવાથી યથાર્થ શ્રદ્ધા થતી
નથી કે જેથી સમ્યગ્દર્શન અને આત્માનુભૂતિ અને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. જીવનું આવું સૌભાગ્ય ક્યારે જાગે? કેવા સત્ય પુરુષાર્થથી એને આત્માનુભૂતિ થાય? આનો સરળ માર્ગ આ પ્રમાણે છે:
૧) જો કોઈ આત્માનુભવી સદ્ગુરુ સુલભ હોય તો તેના ઉપદેશથી સંપૂર્ણ સત્ય વસ્તુ - તત્ત્વને બધા બાજુએથી જાણી લેવો. ૨) જો એવા ગુરુ પ્રાપ્ત ન હોય તો સ્વયં એ ગુરુઓએ બતાવેલ અધ્યાત્મ ગ્રંથોનો ખૂબ જ ચીવટપૂર્વક અભ્યાસ કરી આત્માની બાબતમાં જેટલી જાણકારી થાય તેટલી મેળવવા અભ્યાસ કરવો. ૩) એવ સન્માર્ગે ચાલી રહેલા જિજ્ઞાસુ જેમનો વધુ અભ્યાસ હોય તેમની સાથે સત્સંગ કરી જુદા જુદા વિષયોનો અભ્યાસ કરવો. ૪) હવે સ્વાનુભૂતિની જે વિધિ-વિધાન સદગુરુએ બતાવ્યા છે તે બરાબર જાણી અને અંદર જ્યાં તે ભગવાન આત્મા છે એ ચૈતન્યને જોવાનો પ્રયત્ન કરવો. ૫) તે દેવાધિદેવ’ ભીતર બીરાજમાન છે, ક્યાંય બહાર નથી. તેને અંદર જ જુઓ, શોધો તો તેની પ્રાપ્તિ અવશ્ય થશે જ કારણ કે તે ત્યાં બીરાજમાન છે. ૬) આત્માની બાબત જાણવાનું શાસ્ત્રથી કે શાસ્ત્રના જાણકાર દ્વારા થઈ શકે છે - પરંતુ આત્માને જાણવાનું કામ સ્વાનુભૂતિ દ્વારા જ થાય છે. ૭) સમ્યગ્દર્શનનો સંબંધ આત્માને જાણવા સાથે છે. આત્મા વિષે જાણવું અને આત્માને જાણવો એમાં બહુ જ મોટો મૌલિક ભેદ છે. ૮) જીવને અનાદિકાળથી દ્રવ્યકર્મનો અને દ્રવ્યકર્મના ઉદયના કારણે રાગ-દ્વેષ-કષાય આદિ ભાવકર્મ તથા શરીરાદિનોકર્મનો તથા શરીર સંબંધી અન્ય ચેતન તથા અચેતન પદાર્થોનો સંયોગ જોવા મળે છે