________________
૪૩૮
ઇહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમ કે ઇહાત્મક વિચારબુદ્ધિથી સંદેહનો વિનાશ થઈ જાય છે. સંદેહથી ઉપર અને અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચાર બુદ્ધિનું નામ ઇહા છે. (Sonception) ૩. અવાય : વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. ઈહા જ્ઞાનથી જાણેલાં પદાર્થ વિષયક સંદેહનું દૂર થઈ જવું તે ‘અવાય’ (નિર્ણય) છે. (Judgement)
૪. ધારણા : અવાયથી નિર્ણય કરેલાં પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. (Retention)
‘ધારણા’ ઉપયોગરૂપ જ્ઞાનનું નામ પણ છે અને સંસ્કારનું પણ નામ છે. ધારણાને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણી છે અને તેની ઉત્પત્તિ પણ અવાયની પછી જ થાય છે; તેનું સ્વરૂપ અવાયની અપેક્ષાએ અધિ દૃઢરૂપ છે, તેથી તેને ઉપયોગરૂપ જ્ઞાનમાં ગર્ભિત કરવું જોઈએ.
ધારણાની સુદઢતાને કારણે એક એવો સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે થઈ જવાથી પૂર્વના અનુભવનું સ્મરણ થઈ શકે છે.
આત્માના અવગ્રહ - ઇહા - અવાય - ધારણા ઃ
જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો પછી
-પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા તથા મન ધારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીન એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે, પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થઅવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઇહા; નિર્ણય થયો તે અવાય અર્થાત્ ઇહાથી જાણેલાં આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો.
પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિ સ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતુ તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદરમાં સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે છે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે.
અવગ્રહ કે ઇહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસન્મુખ લક્ષ હોય છે.
સમ્યગ્દષ્ટિને પોતાનું(આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે; જે આત્માને સમ્યજ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણારૂપ રહ્યા જ કરે છે.