________________
૫૦૪
પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. પ્ર. ૨૩ વર્તમાન કર્મબંધન છે, હીન દશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? ઉ. ૨૩ઃ રાગાદિ ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેથી તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિરતાવાળાને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધ-અસ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં - દષ્ટિ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. હીન દશા છે એટલે ફક્ત મતિ-શ્રુતજ્ઞાનનો ઉઘાડ અલ્પ છે પણ તેટલા ઉઘાડમાં જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય અને અનુભૂતિ થઈ શકે છે. કર્મબંધન સત્તામાં હોય તો કોઈ બાધારૂપ નથી - ઉદયમાં આવે ત્યારે તો જાગૃતિની જરૂર છે. કર્મોની સત્તાથી આત્માની સત્તા ભિન્ન છે. માટે કર્મો કાંઈ રાગાદિ ભાવો કે વિકારી ભાવોના કર્તા નથી. પ્ર. ૨૪ ન્યાયથી અને તર્કથી આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત કેમ નથી આવતી? ઉ. ૨૪: એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જેટલી લંબાઈને જ્ઞાયકને પકડવી જોઈએ એટલી લંબાતી નથી. પ્ર. ૨૫ : દષ્ટિનું જોર ક્યાં દેવાથી અનુભવ થાય? ઉ. ૨૫ : જ્ઞાયક નિષ્ક્રિય તળ ઉપર દષ્ટિનું જોર દેવાથી થાય. પર્યાય ઉપર શું કામ જોર દો છો? આ મારી ક્ષયોપશમ પર્યાય વધી, આ મારી પર્યાય થઈ એમ પર્યાય ઉપર જોર શું કામ દો છો? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે ? ત્રિકાળી ધ્રુવ દળ જે નિત્યાનંદ પ્રભુ છે તેના પર જોર દે ને ! જ્ઞાનાનંદ સાગરના તરંગો ઉછળે તેના ઉપર જોર ન દે. તરંગોને ન જોતાં આનંદ સાગરના દળ પર જોર દેને! અનાદિથી ક્ષણિક પર્યાય ઉપર જોર દે છે તે છોડી દેને ત્રિકાળી ધ્રુવ નિત્ય જ્ઞાયકદળ ઉપર જોર દે અને દષ્ટિને ત્યાં એકાગ્ર કર - સ્થિર કર તો સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય પ્રગટશે. પ્ર. ૨૬ : ધારણા જ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય? ઉ. ૨૬ : દ્રવ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. પ્ર. ૨૭: ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ગ્રહણ કરવા માટે કહ્યું. પરંતુ હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું એવું લક્ષ કરવા જતાં ભેદનો વિકલ્પ તો આવ્યા વિના રહેતો નથી. તો પછી વિકલ્પ રહિત આત્માને ગ્રહણ કેવી રીતે કરે ?