________________
૪૭૫
૧૩ ચૈતન્યના શાંતિના સ્વાદની ભાવના
હે આત્મચાહક સાધર્મી ! શાસ્ત્ર શ્રવણ, આત્મવિચાર, જિનગુણ મહિમા - એવા સર્વ પ્રસંગોમાં શું તમને તમારા એકલા માત્ર રાગની જ ઉત્પત્તિ દેખાય છે ?
-કે તે વખતે રાગ ઉપરાંત બીજા કોઈ સારા ભાવની ઉત્પત્તિ તમને તમારામાં દેખાય છે ? તે વખતે જ વિદ્યમાન જ્ઞાનાદિ (રાગ વગરના)ભાવોની ઉત્પત્તિ તમારામાં તમને દેખાય છે કે નહિ ? તે જ્ઞાનની ઉત્પત્તિને દેખશો તો જ તમારા શાસ્ત્ર-શ્રવણ વગેરે બધાં કાર્યો સફળ થશે, ને તો જ તમને તેમાં સાચો ઉત્સાહ આવશે.
જો જ્ઞાનને નહિ દેખો તો, જ્ઞાન વગરના તે બધા તમને અચેતન જેવા નીરસ લાગશે, ને તમને ક્યાંય ખરો ઉત્સાહ નહિ આવે; અથવા તો રાગના રસમાં જ રોકાઈ જશો.
માટે દરેક કાર્ય વખતે એકલા રાગની ઉત્પત્તિને જ ન દેખો, જ્ઞાનાદિની ઉત્પત્તિને પણ દરેક વખતે સાથે ને સાથે દેખો ! એ રીતે સમ્યક્ષણે દેખતાં જરૂર તમને ભેદજ્ઞાન થશે, જ્ઞાનની અનુભૂતિ થશે ને ચૈતન્યની શાંતિનો સ્વાદ આવશે !
બધા જ એ ચૈતન્યના શાંતિનો સ્વાદ પામે એ જ ભાવના !
૧૪ સમ્યક્ત્વપિપાસુ જીવને સંબોધન ! !
શાંતિનગરીમાં વસવા ચાહતા હે મુમુક્ષુ !
તારું જીવન કેવું હોય તે વિચાર્યું છે ? કેમ કે અત્યારે તારું જીવન જે ચાલી રહ્યું છે તેમાં તને ખરેખર સંતોષ છે ? ખરેખર વિચારી જો !
અરે ! તું એક જૈન છો ! એટલે સર્વજ્ઞ જિનદેવનો, ભાવલિંગી સંતોનો (ગુરુઓનો) અને જિનવાણીનો ઉપાસક છો; તેથી તારા જીવનમાં પણ તેમના જેવો વીતરાગી રસ આવવો જોઈએ. વીતરાગ રસના સ્વાદ વગર તને ચેન ક્યાંથી પડે ?
હવે જાગૃત થઈને તારી જીવનદિશાને તું પલટાવી નાંખ ! અજ્ઞાનમય જીવન તો સાવ રસ વગરનું નીરસ છે. ભલે દુનિયાની ગમે તેટલી વિભૂતી મળે; ચૈતન્યનું જ્ઞાનમય જીવન તે જ સરસ-સુંદર છે, ભલે તે માટે બહારમાં દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન કરવી પડે.
દુનિયામાંથી તારી શાંતિ ક્યાં આવવાની છે ? તારી શાંતિ તો તારા ચૈતન્યમાં જ ભરેલી છે. તો પછી શા માટે તારા પોતામાં જ એકલો એકલો રહીને તારી શાંતિનો રસ નથી લેતો ? જૈન ધર્મના પ્રતાપે આવો શાંતસ્વભાવી આત્મા તને લક્ષગત પણ થયો છે. તને બીજું શું જોઈએ છે ?
બસ, હવે તો તેના અનુભવના પ્રયોગમાં જ બધું જ જીવન લગાડી દેવાનું છે; અને એમ કરવાથી તને આ જીવનમાં જ આત્માનો સ્વાનુભવ થશે.
સ્વાનુભૂતિ વગર સર્વ ક્રિયા નિષ્ફળ છે ! સુખની શરૂઆત ત્યાંથી જ થાય છે.