________________
૪૯૨
૬. સ્વાનુભૂત થયેલો આત્મા પોતાનો કેવો અનુભવ કરે છે ?
સ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદજ્ઞાન થતાં, ભેદ જાણ્યો, સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ, ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો, જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શન-જ્ઞાન-ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે, રમણ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. આ સ્વ નુભૂતિની દશા છે.
આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે - તે કેવો અનુભવ કરે છે ?
‘‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાન-દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.’’ ગાથાર્થ : દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર મારું નથી એ નિશ્ચય છે. ટીકા : જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મતપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્ય ધારનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યવહારિક નવ તત્ત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમર્થે હું સદા અરૂપી છું. આમ સર્વથી જુદા હું એક સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો કે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઊખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ભાવાર્થ : આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું,