________________
૩૦૭
સૂક્ષ્મ અને ગંભીર છે. ભાઈ ! એને અપેક્ષાથી ન સમજે તો ગોટા ઊઠે એવું છે. વિકારી અવસ્થાને પણ જીવે ધારી રાખી છે. અશુદ્ધતા છે જ નહિ એમ કહે તો પર્યાય ઊડી જાય છે, અને અશુદ્ધતાનો આશ્રય લેવા જાય તો ધર્મ થતો નથી. માટે પર્યાયમાં અશુદ્ધતા છે તે સત્યાર્થ છે પણ તે આશ્રય યોગ્ય નથી તેથી અસત્યાર્થ છે એમ અપેક્ષા યથાર્થ સમજવી.
૭૦. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. વિકારી ભાવ કર્મના સંયોગથી થાય છે. તે સ્વભાવ નથી એ અપેક્ષાથી સંયોગથી થાય એમ કહ્યું, પણ એ ભાવ પોતામાં પોતાથી થાય છે. વિકારી ભાવ છે તો જીવનું પર્યાય સત્વ અને તે પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પર્યાયમાં થાય છે. વિકારનો કર્તા વિકારી પર્યાય, વિકાર તે પોતાનું કર્મ, વિકાર પોતે સાધન, પોતે સંપ્રદાન, પોતે અપાદાન અને પોતે આધાર. એમ વિકાર એક સમયની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. પરના સંયોગથી વિકાર થાય છે એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, ખરેખર પરને લઈને વિકાર થતો નથી.
૭૧. અશુદ્ધ નયને અહીં હેય કહ્યો છે, કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંકારમાં આત્મા કલેશ ભોગવે છે. અશુદ્ધ નયનો વિષય જે સંસાર તેને જીવ અનાદિથી પોતાનો માની ચાર ગતિમાં રખડે છે અને સંસારમાં કલેશ-દુઃખ ભોગવે છે.
૭૨. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવ. તેથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે.
૭૩. આત્મા જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ છે તે એકાંત સત્ય છે. તે કોઈ અપેક્ષાએ અસત્ય ન થાય. સત્યઅસત્યની અપેક્ષા પર્યાયમાં લાગુ પડે. પર્યાય પોતાની હોવાપણાની અપેક્ષાએ સત્ય છે. અને ત્રિકાળી ધ્રુવની દૃષ્ટિ કરતાં ગૌણ - અસત્ય છે. સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નયનો વિષય છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. કેમ કે તેનો આશ્રય લે તો સંસાર ઊભો થાય અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લે તો દુઃખ મટી જાય અને મોક્ષ થાય.
૭૪. શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક જ છે. એટલે આત્મા જે એક ચૈતન્ય - ચૈતન્ય સામાન્ય એકરૂપ અભેદ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન વિકારી પર્યાયો તો નથી પણ સંવર-નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જે જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. અહીં અશુદ્ધનું લક્ષ છોડાવ્યું તેનો અર્થ એ છે કે જે નિર્મળ પર્યાય છે તે તો દ્રવ્યનો જ આશ્રય લે છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે, દ્રવ્યગુણમાં નથી. તેથી અશુદ્ધતાને ગૌણ કરી, નિર્મળાનંદ, ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે.
૭૫. આ તત્ત્વ સમજીને કોઈ દ્રવ્યનો-ધ્રુવનો આશ્રય લે તો જરૂર સિદ્ધપદ પામે એવી અફર આ વાત છે.