________________
૩૪૨ કારણે અંતરના સામાન્યજ્ઞાનની શક્તિના લક્ષે વિશેષ-વિશેષરૂપ પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે. તેમાં કોઈ બહારનું અવલંબન નથી. પણ સામાન્ય જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે.
આ જાણવું તે ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા પાસે જ છે. અશુભ ભાવથી બચવા શુભ ભાવ થાય તેનું જ્ઞાન જાણી લે છે, પણ તેનું અવલંબન લેતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને તેને પ્રતીતિમાં લેતું સ્વાશ્રિત મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલંબને પ્રગટ થાય છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી પણ સ્વાધીન સ્વભાવને
અવલંબીને થાય છે. આમ જ્ઞાનની સ્વતંત્રતા બતાવી. ૪. જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતાઃ
આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. તે સામાન્ય શ્રદ્ધા ગુણનું વિશેષ સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન જો દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે વખતે શ્રદ્ધા ગુણે શું કાર્ય કર્યું? સામાને શ્રદ્ધા ગુણરૂપ છે તેનું વિશેષ સામાન્યના અવલંબને જ થાય છે. સમ્યગ્દર્શનરૂપ વિશેષ શ્રદ્ધા પરના અવલંબને પ્રગટતી નથી. પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ તેનું પ્રગટવું થાય છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા ગુણની વિશેષરૂપ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને સમ્યગ્દર્શન પર્યાય છે. તેથી શ્રદ્ધા ગુણના અવલંબને સમ્યગ્દર્શનરૂપ વિશેષ દશા પ્રગટ થાય છે. જો દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રદ્ધાનું વિશેષરૂપ કાર્ય થતું હોય તો સામાન્ય શ્રદ્ધાનું તે વખતે વિશેષ શું? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહિ. આત્માની શ્રદ્ધા થઈ એ વર્તમાન અવસ્થારૂપ કાર્ય ત્રિકાળી શ્રદ્ધા નામના
ગુણનું છે. વિશેષ શ્રદ્ધા વગર સામાન્ય શ્રદ્ધા જ ન હોઈ શકે. ૫. આનંદગુણની સ્વાધીનતાઃ
જ્ઞાન અને શ્રદ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ તેમ જ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે પરના કારણે થાય તો તે વખતે આનંદ ગુણે પોતે વર્તમાન વિશેષરૂપ કાર્ય શું કર્યું? પરથી જો આનંદ પ્રગટે તો આનંદ ગુણનું તે વખતે વિશેષરૂપ કાર્ય ક્યાં ગયું? અજ્ઞાનીએ પરમાં આનંદ માન્યો છે તે વખતે પણ તેનો આનંદ ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. અજ્ઞાનીને આનંદ ગુણનું વર્તમાન કાર્ય ઊંધું છે એટલે આનંદ ગુણનું વિશેષ તેને દુઃખરૂપે પરિણમે છે. આનંદ પરથી પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના આનંદ ગુણ નામના સામાન્યના અવલંબને વર્તમાનમાં પ્રગટે છે. આ સમજતાં તેના લક્ષનું જોર પર ઉપર ન જતાં સામાન્ય આનંદ સ્વભાવ ઉપર જાય છે. અને એ સામાન્યના અવલંબને વિશેષરૂપ આનંદ દશા પ્રગટે છે. સામાન્ય આનંદ સ્વભાવના અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ આનંદની પ્રતીતિ લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પૂર્ણની
પ્રતીતિ ન હોય તો અંશ આવ્યો ક્યાંથી? ૬. ચારિત્ર, વીર્ય વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા
આ જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું વિશેષરૂપ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે.