________________
૧૦૫
પરિભ્રમણના કારણરૂપ દર્શનમોહનો અભાવ કરવાના વિષયમાં અજ્ઞાત હોવાને લીધે જીવ બાહ્ય ક્રિયાકાંડમાં જ રોકાઈ જાય છે. ઓઘ સંજ્ઞાએ કરેલા જ્ઞાનક્રિયા, શાસ્ત્ર અધ્યયન, ભકિત, પૂજા, પાઠ, તપશ્ચર્યા આદિથી દર્શનમોહ ક્યાં કેવી રીતે વૃદ્ધિગત થાય છે એનો જીવને ખ્યાલ રહેતો નથી. તેનો રસ મંદ થઈ સમ્યક સન્મુખ કેમ થાય તેનો વિચાર કરવો યોગ્ય છે.
દર્શનમોહને સ્વભાવનો ઘાતક ભાવ જાણીને તે સંબંધી અનેક પડખાંઓને લક્ષમાં રાખી આત્માર્થી જીવે ધર્મ-પ્રવૃત્તિમાં પ્રવર્તવું યોગ્ય છે. અન્યથા સંસાર વૃદ્ધિનું કારણ થવાની સંભાવના છે.
દર્શનમોહની પ્રબળતાથી જ ચારિત્રમોહનું બળ રહે છે. દર્શનમોહ વ્યતીત થતાં ચારિત્રમોહ ટકી શકતો નથી. તેથી દર્શનમોહનો નાશ કરનાર એવા સમ્યગ્દર્શનનો મહિમા જિનાગમને વિષે ઠામ ઠામ જોવામાં આવે છે.
આ અનાદિના સંસારમાં અનંત જીવો સમ્યગ્દર્શનના આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. જ્યાં સુધી દર્શનમોહનો અભાવ કે ઉપશમ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થઈ મોક્ષનો પ્રારંભ થતો નથી. તેને જાણી તેનો અભાવ કરનારા પુરુષાર્થમાં અવશ્ય જાગૃત રહેવું યોગ્ય છે. દર્શન મોહનીયના ત્રણ ભેદઃ (૧) મિથ્યાત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યકત્વ મોહનીય ૧) મિથ્યાત્વ મોહનીયઃ જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ગુણનું વિપરીત પરિણમન થાય, મિથ્યાદર્શનરૂપ
થાય, જે વડે આત્મા કે અનાત્મા (જીવ-અજીવનું) ભેદજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વ
મોહનીય કર્મ છે. ૨) મિશ્ર મોહનીયઃ જેના ઉદયથી સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય તે કર્મને મિશ્ર
મોહનીય કહે છે. ૩) સમ્યક્ત્વ મોહનીય ઃ જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે પણ કોઈ દોષ, મળ કે અતિચાર લાગે તેને
સમ્યકત્વ મોહનીય કહે છે. ચારિત્ર મોહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભ) છે. તેના ઉદયથી દીર્ઘકાળ સ્થાયી, કઠિનતાથી મટે તેવા કષાય પરિણામ થાય છે
અનાદિ મિથ્યા દષ્ટિ જીવ જેને અત્યાર સુધી સમ્યકત્વ થયું નથી તેના સમ્યગ્દર્શન ગુણને દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીયરૂપ ચાર અનંતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જ્યાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થઈ શકતો નથી.
ઉપર જણાવેલ ત્રણ ભેદમાંથી બંધ એક મિથ્યાત્વ પ્રકૃત્તિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યકત્વ મોહનીય પ્રવૃત્તિ કે મિશ્ર મોહનીય પ્રકૃત્તિ બંધાય; જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (ઉપશમ કાળમાં) મિથ્યાત્વ પ્રકૃત્તિના ત્રણ ટુકડા થઈ જાય છે, તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે, એક સમ્યકત્વ અને એક મિશ્રરૂપે રહે છે. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ છે.