________________
૧૫૩ વિકલ્પરૂપ વ્યવહાર સમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે (વ્યવહાર સમ્યગ્દર્શન) ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તો પણ તેને ભૂત નૈગમનયથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યગ્દર્શન હતું તે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ રીતે વ્યવહાર સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. ઘણે ઠેકાણે જેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વ થયું છે એમ કહેવાય છે.
પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યગ્દર્શન છે. ૧. ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનની બે ભેદ છેઃ
નિશ્ચય સમ્યગ્દર્શન બે પ્રકારે ઉપજે છે. ૧) સ્વભાવથી - નિસર્ગજ ૨) પરના ઉપદેશ વગેરેથી - અધિગમજ સમ્યગ્દર્શન ૧. નિસર્ગજ : જે પરના ઉપદેશ વિના આપોઆપ (પૂર્વના સંસ્કારથી) ઉત્પન્ન થાય તેને નિસર્ગજ
સમ્યગ્દર્શન કહે છે. ૨. અધિગમજ : પરના ઉપદેશાદિથી જે સમ્યગ્દર્શન થાય તેને અધિગમજ સમ્યગ્દર્શન કહે છે. ૧. નિસર્ગજ : વર્તમાનમાં ઉપદેશાદિ પ્રત્યક્ષ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય છે તે નિસર્ગજ અથવા
સ્વાભાવિક સમ્યગ્દર્શન કહેવાય છે. નિસર્ગજનો અર્થ એવો થાય છે કે સહજ-સ્વાભાવિક-કુદરતીજે આત્માને સમ્યગ્દર્શન પ્રગટે છે તેને તે સમયે બાહ્ય નિમિત્ત પ્રત્યક્ષપણે ન હોવા છતાં પણ પૂર્વના સંસ્કારબળે પ્રગટે છે.
પૂર્વ ભવે સમ્યજ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલ હોય છે;તેના ઉપદેશેલા તત્ત્વાર્થને ધારણ કરી દેશના લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય તેમને વર્તમાનમાં સમ્યગ્દર્શન પ્રગટી શકે છે. તે વિના કોઈને સમ્યગ્દર્શન થાય નહિ; આ ઉપરથી એમ ન સમજવું કે તે ઉપદેશ સમ્યગ્દર્શનને પ્રગટ કરે છે, જ્ઞાનીનો ઉપદેશ તો નિમિત્તમાત્ર છે. સમ્યગ્દર્શન તો જીવ પોતાથી જ પોતાનામાં પ્રગટ કરે છે. સમ્યગ્દર્શન પ્રગટે છે તે જીવના પોતાના જ વિશુદ્ધ પરિણામો વડે પ્રગટે છે. પરિણામોને નિર્મળ કરવાનો પુરુષાર્થ આત્માનો પોતાનો જ હોય છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ. વળી જો સદ્ગુરુનો ઉપદેશ સમ્યગ્દર્શન ઉત્પન્ન કરતો હોય તો, જે જે જીવો તે ઉપદેશ સાંભળે તેને તે તે થવું જોઈએ, પણ તેમ થતું નથી, સદ્ગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શન થયું એમ કહેવું તે વ્યવહાર છે - નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નું કથન છે. સદ્દગુરુએ તો મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. તે માર્ગ ગ્રહણ કરવો તથા તેની યથાર્થ શ્રદ્ધા કરી તેના પર ચાલવું તે તો જીવ પોતાને જ કરવાનું હોય છે અને તે કાર્ય પોતાના જ ઉપાદાનથી અને પોતાના જ દ્રવ્યમાં, પોતાના જ પુરુષાર્થથી થાય છે. ગુવદિકનો ઉપદેશ તો તેમાં નિમિત્તમાત્ર જ અથવા નિમિત્તકારણ હોય છે.
સમ્યગ્દર્શન સ્વદ્રવ્યના આશ્રયથી જ પ્રગટે છે. તેથી જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે આત્માને પરનો