________________
૨૦૯
૬. સકળ જ્ઞેય જ્ઞાયક તાદાત્મ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. શેયને જાણવા છતાં જ્ઞાયક શેયરૂપે થતો નથી. આ રસ છે તે જ્ઞેય છે અને આત્મા તેને જાણનારો જ્ઞાયક છે. રસરૂપ જ્ઞેયને જાણવા છતાં આત્માનું જ્ઞાન જ્ઞેયપણે એટલે કે રસરૂપ થતું નથી.
અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બોલ ઃ
૧. પુદ્ગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ શરીરનો જે આકાર છે, એ આત્માનો આકાર નથી. આત્મામાં પુદ્ગલથી રચાયેલા જડ દેહના આકારનો અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટ સંસ્થાન છે.
૨. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાત પ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. આ ભિન્ન ભિન્ન શરીરના આકારો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારવાળા અનંત શરીરમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાનવાળો કહી શકાતો નથી.
૩. સંસ્થાન નામકર્મનો વિપાક પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી. સંસ્થાન નામકર્મનું ફળ પુદ્ગલ શરીરમાં આવે છે આત્મામાં નહિ તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. આત્માને પોતાનો અસંખ્યાત પ્રદેશરૂપ આકાર તો છે, પણ જડનો આકાર આત્માને નથી.
૪. જુદા જુદા સંસ્થાનરૂપે પરિણમેલો સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે. માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. જગતની ચીજો શરીર, મકાન, બંગલા વગેરે અનેક આકારે રહેલી છે તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકારપણે જ્ઞાન થતું નથી. સ્વનું જ્ઞાન અને અનેક આકારરૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે.
અવ્યક્તના છ બોલ :
૧. છ દ્રવ્યના સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞેય છે. અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ એમ છ દ્રવ્યો અનાદિ અનંત ભગવાને જોયા છે. આ છ દ્રવ્યોમાં દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા ભિન્ન છે, પણ એ છ દ્રવ્યોને જાણનારી પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞેય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અને અવ્યક્ત છે.