________________
૧૮૧
કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા થવી તેનું નામ ક્ષયોપશમ છે. તેની પ્રાપ્તિ જે કાળમાં થાય તે ‘ક્ષયોપશમ લબ્ધિ' છે.
સમ્યક્ત્વ પ્રગટાવવાની આકાંક્ષાયુક્ત તીવ્ર મુમુક્ષુ આત્મા પોતાના ક્ષયોપશમ જ્ઞાનને પાંચ ઇન્દ્રિયોના વિષયો જેવા કે સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ તેમાં ભમાવતાં નથી, પરંતુ આત્માના કલ્યાણમાર્ગમાં પ્રેરે છે અને તેમાં જ પોતાના આત્માનું હિત અને કલ્યાણ છે એવી દૃઢ પ્રતીતિ તેમને પ્રવર્તતી હોય છે.
એવા મુમુક્ષુ આત્મા ઉદય આવેલા અશુભ કર્મોનો દોષ કાઢતા નથી, ઉદય સાથે તેમાં જોડાઈને તેમાં ઐક્ય કરતાં નથી. તેઓ તો દૃઢપણે એમ જ માને છે કે આ ઉદયમાં આવેલું દ્રવ્યકર્મ તો મારા પોતાના કરેલા અશુભ ભાવકર્મનું નિમિત્ત પામીને, પુદ્ગલ દ્રવ્યની તે સમયની તથા પ્રકારની યોગ્યતાથી અને સ્વતંત્ર રીતે બંધાયું છે. તેને ‘અબાધાકાળ’ પૂર્ણ થતાં અત્યારે ઉદયમાં આવ્યું છે. તેથી દોષ તો મારા પોતાના અજ્ઞાન અવસ્થામાં પૂર્વના ભાવકર્મનો, મારી પોતાની જ અશુભ પ્રવૃત્તિનો, ખોટા અધ્યવસાયનો જ છે, તેથી તેને અબંધ પરિણામે ધૈર્યથી વેદી લઈ તેનાથી નિવૃત્ત થઈ જાઉં.
વળી એવા આત્મલક્ષી મુમુક્ષુને પુણ્ય કર્મનો ઉદય હોય તો પણ તે સંસારના સુખને જ સુખ માનતા નથી, કારણ કે મોહજન્ય સુખ તે સાચું સુખ જ નથી, સુખની ખોટી કલ્પના છે, સુખાભાસ છે, જીવનો મમત્વભાવ છે. જ્ઞાનના વિપરીત ક્ષયોપશમથી મિથ્યાત્વ દશામાં સંસારની ઇચ્છાવાળા જીવને તેમાં સુખાભાસ લાગે છે. જો સંસારમાં સુખ હોય તો પછી મોક્ષનો ઉપાય અને તેમાં તીવ્ર પુરુષાર્થ શા માટે કરવો ? તે તો નિરર્થક બની જાય. પરંતુ એમ તો છે નહિ. મુમુક્ષુ આત્મા તો પોતાના જ્ઞાનના નિર્મળ ક્ષયોપશમથી આકુળતા રહિત અને વાસ્તવિક અર્થાત્ આત્માના આનંદગુણથી ઉત્પન્ન થયેલાં નિર્મળ પર્યાયને સાચું સુખ માને છે અને તેને માટે ઉદ્યમ કરે છે.
આવી જેની નિર્મળ ક્ષયોપશમ લબ્ધિ છે તેના પરિણામ વિશુદ્ધ થાય છે.
૨. વિશુદ્ધિ લબ્ધિ ઃ ક્ષયોપશમ લબ્ધિથી ઉત્પન્ન થયેલા જીવના શુભ પરિણામની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. તે સમયે પોતાના પરિણામોમાં એવા પ્રકારની વિશુદ્ધિ થાય છે. રોજિંદા જીવનમાં બનતા ઉદયના પ્રસંગોએ સામાન્ય કહી શકાય એવો સમતાભાવ જોવામાં આવે છે. કષાયો શાંત પડવા લાગે છે. ઇચ્છાઓનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. હવે માત્ર મોક્ષ અભિલાષ જ છે, મુક્તિ સિવાય કાંઈ ખપતું નથી એવી તીવ્ર ઝંખના રહે છે. ભવ કરવા પડે તેનો ખેદ વર્તે છે અને જગતના સર્વ જીવો પ્રત્યે ધ્યાનો ભાવ થાય છે. વર્તમાન પર્યાયમાં જે દોષો છે તેનો પરિહાર કરવાની શરૂઆત થાય છે. પર્યાયમાં જે શુભાશુભ ભાવો થાય છે તે પરિણામોની વિશુદ્ધ ધારા થવી આવશ્યક હોવાથી તે થવાનો પુરુષાર્થ થાય છે. સામાન્ય જીવન શાંત અને નિર્મળ થવા લાગે છે. રાગ-દ્વેષના પરિણામોના નિમિત્તથી સહેજે દૂર રહેવાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષય-વ્યાપાર મંદ -શિથિલ થતાં જાય છે. દિવસે દિવસે અભ્યાસથી જીવનમાં પરિણામો વિશુદ્ધ થતાં જાય છે.