________________ સર્વ તીર્થકરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ [અહીં સર્વ તીર્થકરોને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમાં પુરુષ' ગ્રંથને આધારે રજૂ કરવામાં આવી છે.] બધા પુરુષોમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમોમાં છ પ્રકારના પુરુષો વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતે : 1. અધમાધમ, 2. અધમ, 3. વિમધ્યમ, 4. મધ્યમ, 5. ઉત્તમ અને 6. ઉત્તમોત્તમ. વિશેષાર્થીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન પુરુષત્તિથી જાણી લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે. ઉત્તમોત્તમ પુરુષો તીર્થંકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થકરો જ છે. તેઓ ત્રણે લોકના ઈશ્વર, ત્રણે લોકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લોક વડે સ્તવવા યોગ્ય, ત્રણે લોક વડે ધ્યાન કરવા યોગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વગુણસંપૂર્ણ હોય છે. તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવોથી ઉત્તમોત્તમ છે. જ્યારે તે તીર્થંકર ભગવંતોના જીવો અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથાભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા જીવો કરતાં ઉત્તમ હોય છે. તે પછી યથાપ્રવૃત્તકરણ (?) વડે જ્યારે તેઓ વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મવિપાકના સદ્ભાવથી પૃથ્વીકાયના જીવોમાં ચિંતામણિ રત્ન, પધરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. અપૂકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિ રૂપે ઉત્પન્ન થાય છે. વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ, શીતલ અને સુગંધિ વાયુ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે. અરિહંતના અતિશયો 33.