________________ આવે. આવા પુણ્યના પ્રભાવથી ભગવંતને મળેલું રૂપ કેવું હોય તે આપણે પૂર્વે જોઈ ગયા. જેવું રૂપ અદભુત તેવી જ સુગંધ પણ અદ્ભુત. જગતના સર્વ સુગંધી પદાર્થોના સુગંધના તત્ત્વ કરતાં અનંતગણ અધિક સુગંધ ભગવંતના શરીરની હોય છે. તેના માટે બધી ઉપમાઓ નિરર્થક છે. કલ્પવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગંધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપક પુષ્પોની સુગંધ ભગવંતના દેહની નિત્ય સુગંધની કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગંધી બનાવવા માટે કસ્તુરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગંધ ઊડી જતાં વાર નથી લાગતી, જ્યારે ભગવંતના શરીરને કોઈ સુગંધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે નિત્ય સુગંધી રહે છે. તેનો સ્વભાવ જ સુગંધમય છે. જેમ ભગવંતનાં રૂપ પર સ્થિર થતાં ચક્ષુઇન્દ્રિય સમાધિને અનુભવે છે, તેમ ભગવંતની સુગંધમાં લીન થયેલી ધ્રાણેન્દ્રિય પણ વિશિષ્ટ સમાધિને પામે છે. આ રીતે ભગવંતનાં સંનિધાનમાં ભગવંતના પ્રભાવથી જીવોને સર્વ ઇન્દ્રિયોની સમાધિ (સ્થિરતા) અત્યંત સુલભ થાય છે. અહીં લોકોત્તર સુગંધ તે ઉપલક્ષણ જાણવું, બાકી તો ભગવંતના શરીરના સ્પર્શ વગેરે પણ લોકોત્તર હોય છે. 3. રોગરહિત શરીર : શ્રી વીતરાગ-સ્તવની અવચૂર્ણિમાં કહ્યું છે કે - तथा स्वभावादेव भगवतामर्हतामङ्गान्यशेषव्याधिवेधुर्यवर्जितान्येव / તેવાં પ્રકારના વિશિષ્ટ સ્વભાવથી જ શ્રી અરિહંત ભગવંતોનાં અંગો સર્વ પ્રકારના રોગો તેમ જ વિકલતા (ખોડખાંપણ વગેરે)થી રહિત જ હોય છે. ભગવંતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. ભગવંતના ચ્યવનથી માંડીને નિર્વાણ સુધીના કાળમાં ભગવંતના શરીરમાં કોઈ પણ રોગ ઉત્પન્ન થતો નથી. ભગવંત શારીરિક દૃષ્ટિએ સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે. કોઈ પણ જીવને સંપૂર્ણ જન્મકાળમાં એક પણ રોગ ન થાય એવું ભાગ્યે જ બને. આમ તો શાસ્ત્રો પોતે જ શરીરને સર્વ રોગોનું આલય (ઘર) કહે છે. છતાં કદાચ કોઈ એવા મનુષ્યો હોય કે જે સંપૂર્ણ જીવન સુધી સુંદર આરોગ્યવાળા રહ્યા હોય, તો તેવા પ્રકારના મનુષ્યો કરતાં પણ ભગવંતનું આરોગ્ય અનંતગુણ અધિક હોય છે. દેવતાઓમાં રોગ હોતા નથી. તેઓ સુંદર આરોગ્યવાળા હોય છે. બધા જ આરોગ્યવાળા મનુષ્યો અને દેવતાઓ કરતાં ભગવંતનું આરોગ્ય અનંતગુણ અધિક હોય છે. 82 અરિહંતના અતિશયો