________________ હવે ભવિતવ્યતાના યોગે સિંહપુરનો રાજા અકસ્માતું મરણ પામ્યો. તેને ગાદીવારસા જન્મ્યો ન હતો, એટલે રાજ્ય કોને સોંપવું? તે પ્રશ્ન થયો. મંત્રી, સામંતો વગેરેએ સાથે મળીને વિચાર કરતાં એવું નક્કી થયું કે “મહારાજાની એક હાથણી છે, તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલો સોનાનો કળશ આપવો. એ કળશનું જળ હાથણી જેના પર ઢોળે તેને રાજગાદી સોંપવી.' આ નિર્ણય અનુસાર હાથણીને શણગારવામાં આવી અને તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલો સોનાનો કળશ આપવામાં આવ્યો. પછી એ હાથણીને પોતાની મેળે જવા દીધી અને મંત્રી વગેરે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાથણી ફરતી ફરતી નગર બહાર નીકળી અને બાગબગીચા તથા ખેતરો વગેરે વટાવતી જ્યાં ગોપાળ ગાયો ચરાવી રહ્યો હતો ત્યાં આવી અને ગોપાળ પર હાથણીએ કળશ ઢોળ્યો અને તેને સૂંઢ વડે ઊંચકીને પોતાના કુંભસ્થળ પર બેસાડ્યો. એટલે મંત્રી, સામંતો તથા નગરજનોએ તેનો રાજા તરીકે સ્વીકાર કર્યો અને તેની જય બોલાવી. પછી મોટી ધામધૂમથી તેને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક કર્યો. આ રાજપદ દેવકૃપાથી મળેલું હોવાથી ગોપાળે પોતાનું નામ દેવદત્ત રાખ્યું અને તે મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્ય ચલાવવા લાગ્યો. સિંહપુરનું સમૃદ્ધ રાજ્ય આ રીતે એક ગાયો ચરાવનાર સામાન્ય વ્યક્તિના હાથમાં જાય, તે કેટલાક સામંતોને રુચ્યું નહિ, તેથી તેમણે લશ્કર એકઠું કરીને નગર પર ચડાઈ કરવાનો વિચાર કર્યો. તેમના મનમાં એમ કે આ નવો રાજા આપણા બળવાન લશ્કર સામે શી રીતે ટકી શકવાનો? તેને સહેલાઈથી પદભ્રષ્ટ કરીને આપણે રાજ્યનો કબજો લઈ લઈશું અને તેનો ભોગવટો કરીશું. એ યોજના અનુસાર સિંહપુર પર ચડાઈ થઈ. દેવદત્તને આ વસ્તુની ખબર પડતાં તેણે શ્રી ભક્તામર સ્તોત્રની એકત્રીશમી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચકેશ્વરી દેવીની આરાધના કરી. એટલે શ્રી ચકેશ્વરી દેવીએ પ્રકટ થઈને કહ્યું : “હે વત્સ ! તું હિંમતથી આક્રમણકારોનો સામનો કર. તને હું જરૂર વિજયી બનાવીશ.” સવારે સિંહપુર પર આક્રમણ થતાં દેવદત્તે તેનો સામનો કર્યો. એ જ વખતે શત્રુ સૈન્ય ખંભિત થઈ ગયું. એટલે કે તેની સર્વ હિલચાલ અટકી પડી અને સર્વ સૈનિકો પૂતળાંની જેમ નિચ્ચેષ્ટ બની ગયા. આ પરિસ્થિતિ જોઈને સામંતો સમજી ગયા કે દેવદત્ત પર દેવના ચારે હાથ છે અને આપણે તેને કોઈ રીતે પહોંચી શકીશું નહિ, એટલે તેમણે દેવદત્તને પ્રણામ કરી પોતાની ભૂલની ક્ષમા માગી અને તેની આજ્ઞાનો સ્વીકાર કર્યો. પછી તો દેવદત્તે પોતાના ભુજાબળથી બીજા પણ કેટલાક રાજાઓને તાબે કર્યા અને માંડલિક પદ પ્રાપ્ત કર્યું, વળી તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને નિરંતર તેમની ભક્તિ કરી પોતાનું જીવન સાર્થક કર્યું. 274 અરિહંતના અતિશયો