________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પાંચ મહાવ્રતાદિના પરિણામ તે રાગ છે અહીં કહે છે કે પાંચ મહાવ્રતાદિના પરિણામ રાગ છે. તેમાં આનંદ નથી. આનંદ અંતરમાં ભર્યો પડ્યો છે. માટે વિકાર ને પર પદાર્થની રુચિ છોડી પોતાના સ્વભાવની રુચિ કરવી જોઈએ, ને પછી સ્થિરતા કરવાથી આનંદ પ્રગટે છે. આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર પડયાં છે, તેમાંથી તેની દશા પ્રગટ થાય છે. દયાદાનાદિથી કે પરમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા આવતી નથી. માટે નિમિત્તની, વિકારની અને અલ્પજ્ઞ પર્યાયની રુચિ છોડી સ્વભાવની રુચિ કરવી જોઈએ. સ્વભાવની રુચિ કરી માટે વર્તમાનમાં કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું એમ નથી પણ ક્રમશ: કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
લીંડીપીપર ને પથ્થર બે જુદી ચીજ છે. દરેક ચીજ પોતપોતામાં વર્તે છે. એક બીજાને સ્પર્શતી નથી. આ બે આંગળી છે. દરેક આંગળીનું વર્તવું પોતપોતામાં છે. પોતાની પર્યાયમાં તે વર્તન કરે છે. વર્તના=વર્તમાન પર્યાય. એકનો બીજામાં અભાવ છે છતાં એક ચીજ બીજાને અડે છે એમ કહેવું તે વ્યવહારનું કથન છે.
પ્રથમ શું નક્કી કરવું જોઈએ આત્મા શું છે, તેની શક્તિઓ શું છે; ને વર્તમાનમાં શું છે, તે જાણીને સ્વભાવ તરફ વળવાથી સુખ પ્રગટે છે. અજ્ઞાની ઉઠાવગીર થઈ પરમાં સુખ માને છે, પણ પરમાં આત્માનું સુખ નથી. પોતામાં સુખ-આનંદ ત્રિકાળ છે, તે પ્રથમ નક્કી કરવું જોઈએ. હીરો વજન કરવામાં જરા ફેર પડે તો ઘણી નુકશાની જાય માટે હીરાનો કાંટો બારીક હોય છે; તેમ અહીં મુનિપણાને તથા ધર્મને તોલવાનો કાંટો ઘણો સૂક્ષ્મ છે. આત્મા શું છે, ગુણ શું છે, પર્યાય શું છે વગેરેનું જેને જ્ઞાન નથી તેને ધર્મ થતો નથી.
કર્મ-ઉદયનો અર્થ જેમ મેધપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી તેમ કર્મઉદય થતાં કેવળજ્ઞાન થતું નથી. કર્મઉદયનો અર્થ શો ? પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છે એવી પ્રતીતિ ને એકાગ્રતા ન કરે તો કેવળજ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે, ને સર્વથા એકાગ્રતા કરી કેવળજ્ઞાન પ્રગટ કરે તો કેવળજ્ઞાનાવરણીય કર્મ છૂટી જાય છે. જેમ કે સાચી શ્રદ્ધા કરતાં દર્શનમોહનીય કર્મ ટળી જાય છે ને વીતરાગતા કરતાં ચારિત્રમોહનીય કર્મ ટળી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com