________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત લેવામાં શુભવિકલ્પ હોવાથી પુણ્ય છે. નિર્જરા નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરવો તે પુણ્ય-પરિણામ છે. વૈયાવૃત્ય કરવાથી પુણ્ય થાય છે, ધર્મ થતો નથી. અજ્ઞાની લોકો કહે છે કે સાધુની વૈયાવૃત્ય કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. તીર્થંકર નામકર્મ જડપ્રકૃતિ છે. તે બાંધવાની ભગવાનની આજ્ઞા નથી, તેમજ જે ભાવથી તે પ્રકૃતિ બંધાય શુભઆસ્રવ કરવાની પણ ભગવાનની આજ્ઞા નથી. ભગવાન તો શુદ્ધ આત્માની ભાવના કરવાનું કહે છે. સ્વાધ્યાયનો શુભભાવ તે પુણ્ય છે. વ્યુત્સર્ગમાં શુભભાવ પુણ્ય છે. બાહ્યધ્યાનમાં શુભભાવ છે. કષાયમંદતા કરે તો પુણ્ય થાય ને સ્વભાવનું ભાન કરે તો ધર્મ થાય.
*
વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૦ મંગળવાર, તા. ૧૦-૩-૫૩
પ્રાયશ્ચિત, વિનય વગેરે અંતરંગ તપોમાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. પ્રાયશ્ચિત ને વિનય નિમિત્તરૂપે પ્રવર્તતા ‘હું જ્ઞાનાનંદ છું’ એમ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. સમ્યગ્દર્શન વિના સાચો તપ નથી. હું શાયક છું, એક રજકણની ક્રિયા મારી નથી, દયાદાનાદિનો હું સ્વામી નથી;−તેવા ભાનપૂર્વક અકષાય પરિણામ થાય તે નિર્જરા છે.
હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ કરી જગતનો સાક્ષી રહે તેટલા અંશે શુદ્ધિ છે, ને તેના નિમિત્તે કર્મ ખરે છે તે દ્રવ્ય નિર્જરા છે. બાર પ્રકારના તપમાં જેટલો વિકલ્પ ઊઠે છે તે બંધ છે. એવા મિશ્રભાવ જ્ઞાનીને યુગપત્ હોય છે. અજ્ઞાની બાહ્યમાં ધર્મ માને છે. તેને નિર્જરા હોતી નથી.
પ્રશ્ન:- શુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે એમ કહો, ને આત્મા શુભાશુભરહિત દષ્ટિ કરે તો બન્નેની નિર્જરા થાય છે-પુણ્ય-પાપ બન્ને ખરી જાય છે એમ કેમ ન કહો ? લોકો પણ કહે છે કે પુણ્યે પાપ ઠેલાય.
ઉત્ત૨:- આત્મા જ્ઞાયક છે, તેની નિર્વિકલ્પ પ્રતીતિ તથા લીનતાથી બધી કર્મપ્રકૃતિની સ્થિતિ ઘટે છે. તથા પુણ્યપ્રકૃતિની સ્થિતિ પણ ઘટી જાય છે. મિથ્યાદષ્ટિ નિર્જરાતત્ત્વને સમજતો નથી, તેથી તે બાહ્ય તપથી નિર્જરા માને છે. વળી તે માને છે કે આત્માનું ભાન થયા પછી સ્થિતિ ને રસ બન્ને ઘટે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com