________________
જેને શેઠિયાઓની ખોટ શેહ-શરમ નડે, એ સાધુની સાધુતા સબળ ન ગણાય. શ્રી રામવિજયજી મહારાજના બોલમાં ઘુમરાતી બહાદુરી, નયનોમાં નૃત્ય કરતી નીડરતા અને મોં પર મલકાતી મર્દાનગીની જાદુઈ અસર થઈ અને પ્રવચન બંધ રાખવા માટેનો પ્રસ્તાવ લઈને આવેલા એ સુધારક વર્ગની સાથે ગેરસમજથી સામેલ થયેલ શ્રદ્ધાળુઓને પોતાની ભૂલનો તરત જ ખ્યાલ આવી ગયો. વિરોધી વર્ગ સાથેનો છેડો સાવ જ ફાડી નાંખતા એમણે ત્યાંને ત્યાં જ પોતાનો નિર્ણય વ્યક્ત કર્યો કે, આવી શાસનદાઝ, આવી નીડરતા અને કોઈનીય શેહશરમમાં ન તણાવાની આવી સત્ય-નિષ્ઠાનાં દર્શન આજે પહેલી જ વાર થયા હોવાથી હવે તમારો-અમારો રાહ અલગ ફંટાવાનો. શ્રી રામવિજયજી મહારાજે પેટાવેલી સત્યરક્ષાની મશાલને જ વધુ સુદઢતાથી ઉઠાવીને ઠેર ઠેર ઘૂમવાનો અમારો નિર્ણય તમને પણ યોગ્ય લાગે, તો સત્યના સમર્થક બની જવાનું તમને અમારું આમંત્રણ છે.
એ અરસાનું મુંબઈનું વાતાવરણ જ ઝંઝાવાતથી ભરેલું હતું. એકાદ ઝંઝાવાત શમતો, ત્યાં બીજા ઝંઝાવાતને જોરશોરથી વહેતો મૂકવાનું વલણ વિરોધી વર્ગ અપનાવ્યા વિના રહેતો નહીં. મહાવીર વિદ્યાલય સામે જાગેલો વિરોધ આના દૃષ્ટાંત તરીકે ટાંકી શકાય. પૂ.પં.શ્રી ખાંતિ વિજયજી મ.ની ચકોર નજરે વિદ્યાલયની કેટલીક અજુગતી પ્રવૃત્તિઓને પકડી પાડી, સમજાવટથી સુધારો અશક્ય જણાતાં તેમણે જાહેરમાં માર્ગદર્શન રુપે ચેતવણીના સૂરમાં સમાજને સમજાવવા માંડ્યું કે, બુટ-ચંપલ પહેરીને ધાર્મિક પુસ્તકોનું તો વાંચન થાય જ નહિ. મહાવીરનું નામ ધરાવતી સંસ્થા હિંસાને પ્રોત્સાહન આપનારું ભણતર કંઈ રીતે આપી શકે અને ડોકટરી શિક્ષણના નામે દેડકા ચીરવાની પ્રવૃત્તિ કઈ રીતે ચલાવી શકાય ? પૂ. પચાસજી મહારાજ આવા આવા મુદ્દાઓ અંગે ઠેર ઠેર માર્ગદર્શન આપવાની તક ઝડપ્યા વિના ન રહેતા, એથી વિદ્યાલય પ્રેમી સુધારકો એમને દેડકાચાર્ય તરીકે નવાજવા સુધીની ધિક્કાઈ કરતા પણ અચકાયા નહીં.