________________
સિદ્ધાંતોના પ્રચારને જ અટકાવવા માંગે છે. માટે તમારો આ પ્રસ્તાવ તો કંઈ રીતે માન્ય કરી શકાય ? પૂ. આચાર્યદેવે પણ આ વાત જ્યારે દોહરાવી, ત્યારે એ શ્રાવકોમાંના કેટલાકે કહ્યું કે, તો પછી રક્ષણની અમારી જવાબદારી હવે પૂરી ! જો પ્રવચનો બંધ ન થવાના કારણે હવે કોઈ ગંભીર પ્રત્યાઘાત પડશે, તો અમે એ સમયે રક્ષણ નહીં કરી શકીએ.
સુધારકોને થયું કે, હવે તો શ્રી રામવિજયજી મહારાજ ઢીલાઢબ થઈને સંઘશાંતિ માટેનો આ પ્રસ્તાવ સ્વીકારી જ લેશે. પણ જવાબ તો જવાંમર્દીથી ખળખળતો મળ્યો : જિનશાસન જ અમારી રક્ષા કરનાર છે. તમારા રક્ષણની આશા પર મદાર બાંધીને કંઈ અમે આવ્યા નથી. માટે અમારાં રક્ષણની જરાય ચિંતા ન કરતા. બાકી તમે જે શાંતિ સ્થાપવાની વાત લઈને આવ્યા છો, એવી શાંતિ કરતા તો સ્મશાનની શાંતિ વધુ વખાણવા જેવી ગણાય. એમ મારે કહેવું જ જોઈએ. જિનશાસનનો સાધુ તો જ્યાં જાય, ત્યાં વિષયકષાયની અશાંતિ દૂર કરીને શાંતિ સ્થાપવાનું કામ જ કરતો રહેતો હોય છે. શાસનને સમજેલો અને સમર્પિત સાધુ જ સાચી રીતે શાંતિ સ્થાપી શકે. કારણ કે શાસ્ત્રની આંખે જ જોવા-જાણવા અને બોલવા-ચાલવાનો મુદ્રાલેખ એણે સ્વીકારેલો હોય છે. માટે તમે જે રીતે શાંતિ સ્થાપવા માંગો છો, એવી શાંતિનો પ્રસ્તાવ અમે સ્વીકારી શકીએ નહીં. જિનશાસન દ્વારા સમર્પિત સત્યનો પ્રકાશ પામીને શ્રોતાઓના ઘટમાં અને ઘરમાં સત્યાસત્ય વચ્ચે સંઘર્ષ ખેલાવાનું શરુ થઈ જાય, એને અશાંતિ ગણવી, એ તો બુદ્ધિનું દેવાળુ જ સૂચવે છે. કારણ કે આવા સંગ્રામ દ્વારા જ સત્યનો વિજય થતો હોય છે અને અંતે શાશ્વત-શાંતિ સ્થપાતી હોય છે. અમે જો શાસ્ત્રવિરુદ્ધ એક અક્ષર પણ બોલતા હોઈએ, તો અમારી જીભ પકડવાનો શ્રાવક તરીકે તમને સંપૂર્ણ અધિકાર છે. પણ અમે જો શાસ્ત્રની જ વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ, તો તેમાં સાથસહકાર આપવો, એ જ તમારી ફરજ છે. આવી ફરજ તમે હજી કદાચ અદા ન કરી શકો, પણ એના બદલે અમને વ્યાખ્યાન કરતાં અટકાવવાનો પ્રસ્તાવ લઈને તમે આવો, આ તો બહુ જ દુઃખદ વાત ગણાય.