________________
૪૫૨
ચાર પ્રકારના અનુયોગદ્વારો ત્યાં અધ્યયનના અર્થને કહેવાની વિધિ તે અનુયોગ. જેમ મહાનગરના દરવાજા હોય છે તેમ સામાયિકના દરવાજા છે. અનુયોગ માટેના એટલે કે વ્યાખ્યા કરવા માટેના દ્વારો તે અનુયોગદ્વારો.
અહીં આચાર્ય નગરના દષ્ટાંતનું વર્ણન કરે છે – જેમ દ્વાર વિનાનું નગર તે નગર નથી, કેમકે તેમાં નીકળવા અને પેસવાના ઉપાયો ન હોવાથી તેની પાસે કોઈ જતું નથી. એક, બે વગેરે દ્વારવાળું પણ નગર મુશ્કેલીથી જઈ શકાય એવું અને કાર્યના નાશ માટે થાય છે. ચાર મૂળદ્વારોવાળુ અને પ્રતિદ્વારોથી યુક્ત નગર સુખેથી જઈ શકાય એવું થાય છે અને કાર્યના નાશ માટે થતું નથી. એમ અર્થને જાણવાના ઉપાયરૂપ દ્વારા વિનાનું સામાયિકનગર પણ જાણી શકાતું નથી. એક વગેરે દ્વારવાળુ સામાયિકનગર પણ મુશ્કેલીથી જાણી શકાય છે. પેટભેદોથી યુક્ત ચાર દ્વારવાળુ સામાયિકનગર સુખેથી જાણી શકાય છે. માટે સામાયિકના અર્થને જાણવા માટેનો દ્વારોનો ઉલ્લેખ સફળ છે.
ત્યાં દૂર રહેલી વસ્તુને સમજાવવાના છે તે પ્રકારો વડે નજીક લાવીને નિક્ષેપને યોગ્ય કરવી તે ઉપક્રમ. ઉપક્રમના અંતર્ગત ભેદો વડે વિચારાયેલ વસ્તુનો જ નિક્ષેપ થાય છે, બીજી રીતે નહીં - એમ કહેવાનો ભાવ છે. અથવા ગુરુના જે વચનયોગ વડે વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. અથવા શિષ્યનો સાંભળવાનો જે ભાવ હોતે છતે વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. અથવા વિનીત શિષ્યના જે વિનયથી વસ્તુ નિક્ષેપને યોગ્ય કરાય છે તે ઉપક્રમ. કહેવાનો ભાવ એવો છે કે વિનયથી આરાધાયેલ ગુરુ શાસ્ત્રને નિક્ષેપયોગ્ય કરે છે. આમ કરણ, અધિકરણ અને અપાદાન કારકો વડે ગુરુનો વચનયોગ વગેરે અર્થો ભેદથી કહ્યા. જો કરણ વગેરે ત્રણે કારકો વડે વાચ્ય (કહેવા યોગ્ય) તરીકે કોઈ પણ એક અર્થની વિવફા કરાય તો પણ દોષ નથી.
શાસ્ત્ર વગેરેની નામ, સ્થાપના વગેરે ભેદો વડે વ્યવસ્થા કરવી તે નિક્ષેપ. અથવા જેનાથી, જેમાં કે જેના થકી નામ વગેરે ભેદો વડે વ્યવસ્થા કરાય છે તે નિક્ષેપ. વાચ્ય અર્થની વિવફા પૂર્વે કહી તે પ્રમાણે જ જાણવી.
સૂત્રને અનુકૂળ અર્થ કહેવો તે અનુગમ. અથવા જેનાથી, જેમાં કે જેના થકી સૂત્રની વ્યાખ્યા કરાય છે તે અનુગમ. વાચ્ય અર્થની વિવક્ષા પૂર્વે કહી તે પ્રમાણે જ જાણવી.
એ પ્રમાણે લઈ જવું તે નય. અથવા જેનાથી, જેમાં કે જેના થકી જણાય તે નય. નય એટલે અનંતધર્મવાળી બધી વસ્તુઓમાં એક અંશને ગ્રહણ કરનારો બોધ.”
ગુરુ ચાર અનુયોગોમાં અને ચાર અનુયોગદ્વારોમાં કુશળ હોય છે. આમ છત્રીસ ગુણોવાળા ગુરુ બધે જય પામો. (૮)
આમ સાતમી છત્રીસી પૂર્ણ થઈ.