________________
૫૭૮
દસ પ્રકારની રુચિ અહીં સમ્યકત્વને જીવથી અભિન્નરૂપે કહ્યું છે તે ગુણ અને ગુણીનો કોઈક રીતે અભેદ છે એવું જણાવવા માટે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. (૧૬) વિસ્તારથી અર્થ ગ્રંથકાર પોતે જ કહે છે –
જેણે બીજાના ઉપદેશ વિના જાતિસ્મરણજ્ઞાન વગેરે રૂ૫ આત્માની સાથે સંગત એવી બુદ્ધિથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ વગેરે પદાર્થોને “આ પદાર્થો વિદ્યમાન છે એવા નિર્ણયપૂર્વક જાણ્યા છે અને જે બીજાની પાસેથી સાંભળ્યા ન હોવા છતાં પણ જાતિસ્મરણજ્ઞાન વગેરેથી જાણેલા જીવ વગેરે પદાર્થોની ઉપર શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ જાણવો. (૧૭)
આ જ બાબતને વધુ સ્પષ્ટ રીતે કહે છે -
જે જિનેશ્વર ભગવંતોએ જોયેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ ચાર પદાર્થોની અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર પદાર્થોની બીજાના ઉપદેશ વિના પોતે જ “જેમ ભગવાને જોયા છે એ પ્રમાણે જ આ જીવ વગેરે પદાર્થો છે, બીજી રીતે નહીં.” આ પ્રમાણે શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ એ પ્રમાણે જાણવો. (૧૮)
ઉપદેશરુચિને કહે છે –
જેને કેવળજ્ઞાન થયું નથી એવા છદ્મસ્થ કે જેને કેવળજ્ઞાન થયું છે એવા સર્વજ્ઞરૂપ અન્ય વડે ઉપદેશાયેલા આ જ ઉપર કહેલા ભાવોની જે શ્રદ્ધા કરે છે તે ઉપદેશરુચિ એ પ્રમાણે જાણવો. (૧૯)
હવે આજ્ઞારુચિને કહે છે -
જેના રાગ, દ્વેષ, મોહ (શેષ મોહનીય કમ) અને અજ્ઞાન દેશથી દૂર થયા છે, અને જે માષતુષ મુનિ વગેરેની જેમ આચાર્ય વગેરેની આજ્ઞાથી ક્યાંય પણ કદાગ્રહ રાખ્યા વિના જીવ વગેરે પદાર્થોની “આ પદાર્થો છે' એ પ્રમાણે શ્રદ્ધા કરે છે તે અવશ્ય આજ્ઞારુચિ એ પ્રમાણે જાણવો. તેને રાગ, દ્વેષ વગેરેનો સર્વથા નાશ સંભવતો ન હોવાથી અહીં તેને રાગ વગેરેનો દેશથી નાશ કહ્યો. (૨૦)
સૂત્રરુચિને કહે છે -
જે ગોવિંદવાચકની જેમ સૂત્રને ભણતાં ભણતાં આચારાંગસૂત્ર વગેરે રૂપ અંગપ્રવિષ્ટ શ્રત વડે કે ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે રૂપ અંગબાહ્ય શ્રુતવડે સમ્યકત્વ પામે છે તે સૂત્રરુચિ એ પ્રમાણે જાણવો. (૨૧)