________________
પંદરમી છત્રીસી
હવે પંદરમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - બાર ઉપયોગોને જાણનાર, દસ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળબુદ્ધિવાળા અને ચૌદ ઉપકરણોને ધારણ કરનારા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૧૬).
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જેમના વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવા તરફ પ્રવૃત્તિ કરાવાય તે ઉપયોગ. જીવની પોતાના સ્વરૂપભૂત બોધરૂપી પ્રવૃત્તિઓ તે ઉપયોગ. ઉપયોગ બાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ અચક્ષુદર્શન, ૧૦ ચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન અને ૧૨ કેવળદર્શન. ચોથા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એમ જીવના લક્ષણસ્વરૂપ ઉપયોગ બાર પ્રકારના છે...(૩૦)
ટીકાર્ય - મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. તેમનું સ્વરૂપ કર્મવિપાકની સ્વપજ્ઞ ટીકામાં વિસ્તારથી કહ્યું છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર દર્શન છે. આમ ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એ બાર ઉપયોગ છે. ઉપયોગ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. આ બાર ઉપયોગો એ આત્માનું લક્ષણ છે. જેનાથી બીજા થકી ભિન્નસ્વરૂપે વસ્તુ જણાય તે લક્ષણ, એટલે કે વસ્તુનું અસાધારણ સ્વરૂપ. માટે જ બીજે કહ્યું છે – “ઉપયોગ એ જીવનું લક્ષણ છે.” તે ઉપયોગો બે પ્રકારના છે – સાકાર અને અનાકાર. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ઉપયોગો સાકાર છે, ચાર દર્શન એ અનાકાર ઉપયોગ છે.”
પાંચ જ્ઞાનનું સ્વરૂપ આગળ બત્રીસમી છત્રીસીની ટીકામાં વિસ્તારથી સમજાવાશે. ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં આ પ્રમાણે બતાવ્યું છે –