________________
સત્તર પ્રકારના મરણ
૮૦૫ હોય છે, કેમકે કહ્યું છે, “બધી ય સાધ્વીઓ, પહેલા સંઘયણ વિનાના બધા જીવો અને બધા દેશવિરતો પચ્ચકખાણપૂર્વક મરે છે. (૧)” અહીં “પચ્ચકખાણ' શબ્દથી ભક્તપરિજ્ઞા જ કહી છે, કેમકે ત્યાં પાદપોપગમન વગેરેને પૂર્વે બીજી રીતે કહ્યા છે. ઇંગિનીમરણ તો વધુ વિશિષ્ટ ધૃતિ અને સંઘયણવાળાને જ હોય છે – આ વાત સાધ્વીઓને તેનો નિષેધ કર્યો હોવાથી જ, જણાય છે. પાપપોપગમન તો નામથી જ એકદમ વિશિષ્ટ ધૃતિવાળાને જ હોય છે એમ લગભગ કહેવાઈ ગયું છે. તેથી એ વજઋષભનારાચસંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે કે, પર્વતની દિવાલ જેવું પહેલું સંઘયણ હોતે છતે પાદપોપગમન અનશન હોય છે. ચૌદપૂર્વીઓનો વિચ્છેદ થવા પર તેમનો પણ વિચ્છેદ થાય છે. (૧) જો પાદપોપગમનવાળાને આવા વિશિષ્ટ ધૃતિ અને સંઘયણ ન હોય તો “કોઈક દેવ પૂર્વભવના વેરથી તે ‘ચરમશરીરવાળો કંઈ પણ વેદના ન પામે એવું ન થાઓ.' એમ વિચારીને પાતાળમાં લઈ જાય. (૧) દેવ સ્નેહથી દેવોના બગીચામાં કે ઈન્દ્રના ભવનમાં લઈ જાય કે જ્યાં બધા ભાવો ઇષ્ટ, સુંદર અને બધી રીતે સુખ કરનારા હોય છે. (૨) આવેલા દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચસંબંધી બધા ઉપસર્ગોને જીતીને પાદપોપગમનવાળા ત્યજે છે. (૩) જેમ આવતા એવા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણના પવનોથી મેરુપર્વત કંપતો નથી તેમ પાદપોપગમનવાળા ધ્યાનથી ચલિત થતા નથી. (૪)' આ રીતે મરણવિભક્તિકારે કહેલું તેમનું મહાસામર્થ્ય શી રીતે સંભવે ? વળી પાદપોપગમન તીર્થકરોએ સેવેલું હોવાથી ઉત્કૃષ્ટ છે અને બાકીના બે મરણ સામાન્ય સાધુઓએ સેવેલા હોવાથી ઉત્કૃષ્ટ નથી. કહ્યું છે કે, “બધા કાળમાં બધી કર્મભૂમિઓમાં થયેલ, બધાના ગુરુ, બધાના હિતકારી, સર્વજ્ઞ એવા બધા તીર્થકરો મેરુપર્વત ઉપર અભિષેક કરાયા. (૧) બધી લબ્ધિઓથી યુક્ત બધાય પરીષહોને જીતીને બધા ય તીર્થકરો પાદપોપગમન સ્વીકારીને મોક્ષે ગયા. (૨) ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના બાકી બધા સાધુઓ કેટલાક પાદપોપગમન સ્વીકારીને કેટલાક પચ્ચકખાણ (ભક્તપરિણા)ને સ્વીકારીને અને કેટલાક ઇંગિનીને સ્વીકારીને મોક્ષે ગયા. (૩) પ્રાસંગિક ચર્ચાથી સર્યું. (૨૨૫)”
ગુરુ આ સત્તર પ્રકારના મરણો ભવ્યજનોને સારી રીતે સમજાવે છે.
આમ છત્રીસ ગુણોરૂપી કમળોના સરોવર સમાન ગુરુ જીવોના હૃદય અને નયનોને આનંદ આપો. (૨૪).
આમ ત્રેવીસમી છત્રીસી પૂર્ણ થઈ.