________________
૭૩૮
ત્રણ પ્રકારના શલ્યો “ત્રણ શલ્યોથી પાછો ફરું છું - માયાશલ્યથી, નિયાણશલ્યથી અને મિથ્યાદર્શનશલ્યથી.'
આ ત્રણ શલ્યોનું સ્વરૂપ આવશ્યકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
ત્રણ શલ્યો વડે જે અતિચાર કરાયો હોય, તે આ પ્રમાણે – માયાશલ્ય વડે, નિદાનશલ્ય વડે અને મિથ્યાદર્શનશલ્ય વડે, (તેનાથી) હું પાછો ફરું છું. જેનાથી પીડા કરાય તે શલ્ય. તે દ્રવ્ય-ભાવના ભેદથી બે પ્રકારનું છે. કાંટા વગેરે દ્રવ્યશલ્ય છે. ભાવશલ્ય આ (માયા-નિદાન-મિથ્યાદર્શનરૂપ) જ છે. માયા એટલે અંદરનો ભાવ છૂપાવી બહાર જુદું બતાવવું. માયારૂપી શલ્ય તે માયાશલ્ય. અહીં ભાવના આ પ્રમાણે છે – જે વ્યક્તિ જ્યારે અતિચારને આશ્રયીને માયાથી આલોચના કરતો નથી કે બીજી રીતે જણાવે છે કે આળ આપે છે ત્યારે તે માયા જ અશુભકર્મબંધવડે આત્માને પીડા કરતી હોવાથી શલ્ય . તેનાથી (કરાયેલા અતિચારથી હું પાછો ફરું છું.) નિદાન એટલે દેવસંબંધી અને મનુષ્ય સંબંધી ઋદ્ધિને જોઈને અને સાંભળીને તેની ઇચ્છા કરવી તે. નિદાન જ અધિકરણની અનુમોદના વડે આત્માને પીડા કરતું હોવાથી શલ્ય છે. તેનાથી કરાયેલા અતિચારથી હું પાછો ફરું છું.) મિથ્યાદર્શન એટલે મોહનીયકર્મના ઉદયથી થયેલું વિપરીત દર્શન. તે જ તેના નિમિત્તે કર્મોને ગ્રહણ કરવા વડે આત્માને પીડા કરતું હોવાથી શલ્ય છે. તે મિથ્યાદર્શનશલ્ય કદાગ્રહ, વિપરીત બુદ્ધિ, અન્ય દર્શનના પરિચયરૂપ ઉપાધિથી થાય છે. અહીં ઉદાહરણો આ પ્રમાણે છે - માયાશલ્યમાં આગળ કહેવાશે તે રુદ્રનું ઉદાહરણ છે અને પૂર્વે કહેલ પંડુરાર્યાનું ઉદાહરણ છે. નિદાનશલ્યમાં બ્રહ્મદત્તનું કથાનક જેમ તેના ચરિત્રમાં છે તેમ જાણવું. મિથ્યાદર્શનશલ્યમાં ગોઠામાહિલ કદાગ્રહથી મિથ્યાત્વ પામ્યા, જમાલી વિપરીત બુદ્ધિથી મિથ્યાત્વ પામ્યા અને બૌદ્ધ ભિક્ષમાં પરિચય કરનાર શ્રાવકો અન્ય દર્શનવાળા (બૌદ્ધભિક્ષુઓ)ના પરિચયથી મિથ્યાત્વ પામ્યા. તેમાં ગોષ્ઠામાહિલ અને જમાલીના બે કથાનકો સામાયિકઅધ્યયનમાં કહ્યા, બૌદ્ધભિક્ષુઓનો પરિચય કરનાર શ્રાવકોનું કથાનક આગળ કહીશું.”
ગુરુ આ ત્રણ શલ્યોને વર્જે છે. આમ છત્રીસ ગુણોની ખાણ સમાન ગુરુ જીવોને સંસારસાગરમાંથી છોડાવે. (૧૯)
આમ અઢારમી છત્રીસી પૂર્ણ થઈ.