________________
ત્રેવીસમી છત્રીસી હવે ત્રેવીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - કાઉસ્સગ્ગના ઓગણીસ દોષોને વર્જનારા અને સત્તર પ્રકારના મરણના વિભાગો ભવ્યજનોને બતાવતા – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૨૪)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ – ઉત્સર્ગ એટલે ત્યાગ. અહીં પ્રસંગથી કાઉસ્સગ્ગ સમજવો. તેનો અર્થ પૂર્વે કહ્યો છે. કાઉસ્સગ્ગના દોષો એટલે અવિધિઓ તે ઉત્સર્ગદોષો. તે ઓગણીસ છે. તે આ પ્રમાણે -
૧ ઘોટકદોષ, ૨ લતાદોષ, ૩ ખંભાદિદોષ, ૪ માળદોષ, ૫ ઉદ્ધિદોષ, ૬ શબરીદોષ, ૭ નિગડદોષ, ૮ ખલીનદોષ, ૯ વધૂદોષ, ૧૦ લંબોત્તરદોષ, ૧૧ સ્તનદોષ, ૧૨ સંયતીદોષ, ૧૩ અંગુલિભ્રમરદોષ, ૧૪ વાયસદોષ, ૧૫ કપિત્થદોષ, ૧૬ શિરકંપદોષ, ૧૭ મૂકદોષ, ૧૮ વાણીદોષ અને ૧૯ પ્રેક્ષાદોષ. ચૈત્યવંદનભાષ્યમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
“હવે “ઓગણીસ દોષ” એ વસમું દ્વાર પ્રગટ કરતા કહે છે - (૧) ઘોટક દોષ - ઘોડાની જેમ પગ ઊંચા-નીચા કરે તે. (૨) લતા દોષ પવનથી હલતી લતાની જેમ કંપે તે. (૩) ખંભકરા દોષ - થાંભલા, દિવાલ વગેરેને ટેકો આપીને કાઉસ્સગ્ન કરે તે. (૪) માળ દોષ - માળીયાને માથુ ટેકવીને કાઉસ્સગ્ન કરે તે. (૫) શબરી દોષ - વસ્ત્ર વિનાની ભિલ્લની સ્ત્રીની જેમ ગુહ્યાંગ આગળ હાથ રાખે છે. (૬) વધૂ દોષ - કુળવહૂની જેમ માથું નીચું રાખીને કાઉસ્સગ્ન કરે તે. (૭) નિગડ દોષ - બેડીમાં બંધાયેલાની જેમ બન્ને પગ પહોળા રાખે કે ભેગા કરે તે. (૮) લંબુત્તર દોષ - ઢીંચણની નીચે સુધી અને નાભિની ઉપર સુધી ચોલપટ્ટો પહેરે છે.