________________
૬૭૬
બાર ભિક્ષુપ્રતિમા (૨) પારણે આયંબિલ કરે. (૩) દત્તિનો નિયમ નથી.
(૪) ગામની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠી વાળીને બેસે એ ત્રણ સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિમાં રહીને દેવ-મનુષ્યતિર્યંચ વગેરેના ઉપસર્ગોને મનથી અને કાયાથી ચલિત બન્યા વિના સહન કરે. (૧૪-૧૫)
નવમી પ્રતિમાનું સ્વરૂપ :
બીજી સપ્તરાત્રિદિના પ્રતિમા પણ પહેલી સપ્તરાત્રિદિના પ્રતિમા જેવી જ છે. કારણ કે તેમાં તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધું સમાન છે. પણ આટલી વિશેષતા છે કે, ઉત્કટુક આસને (કુલા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે (મસ્તક અને પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, લાકડીની જેમ લાંબા થઈને સૂવે-આ ત્રણમાંથી કોઈ એક સ્થિતિમાં રહીને ઉપસર્ગો સહન કરે. (૧૬)
દશમી પ્રતિમાનું સ્વરૂપ :
ત્રીજી સપ્તરાત્રિદિના પ્રતિમા પણ તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધું સમાન હોવાથી પહેલી સપ્તરાત્રિદિના પ્રતિમા જેવી જ છે. પણ આટલી વિશેષતા છે કે – ગોદોહિકા આસને બેસે. પેની અને ઢેકા એક બીજાને અડે અને પગના તળિયાનો આગળનો ભાગ જ જમીનને અડે, (પાછળનો ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગોદોહિકા આસન છે. અથવા વીરાસને બેસે. ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. આ ત્રણમાંથી કોઈ એક સ્થિતિમાં રહે.
આ પ્રમાણે આ ત્રણ પ્રતિમા એકવીસ દિવસે પૂર્ણ થાય. (૧૭) અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ :
એ જ રીતે અગિયારમી એક અહોરાત્ર પ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છે :
(૧) ચોવિહાર છઠ્ઠનો તપ હોય છે. જેમાં છ ભોજનનો ત્યાગ થાય તે છઠ્ઠ. બે ઉપવાસમાં ચાર ભોજનનો અને આગળ-પાછળના દિવસે એકાસણું કરવાનું હોવાથી એકએક ભોજનનો એમ છ ભોજનનો ત્યાગ થાય છે.