________________
૬૭૮
બાર ભાવના
સંવરભાવના, ૯ નિર્જરાભાવના, ૧૦ લોકસ્વભાવભાવના, ૧૧ બોધિદુર્લભભાવના અને ૧૨ ધર્મભાવના. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - સમતાની પ્રાપ્તિ નિર્મમત્વથી થાય છે તથા નિર્મમત્વને પામવા બાર ભાવનાઓનો આશ્રય કરો. તે ભાવનાઓ આ મુજબ છે-- (૧) અનિત્ય-ભાવના (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિત્વ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મસ્વાખ્યાત (૧૧) લોક અને (૧૨) બોધિદુર્લભ ભાવના. (૫૫-૫૬)
ટીકાર્થ - જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે એવું સામ્ય નિર્મમત્વરૂપ ઉપાયથી થાય છે. શંકા કરી કે, સામ્ય અને નિર્મમત્વ બેમાં શો તફાવત ? સમાધાન કરે છે કે-રાગ-દ્વેષ બંનેના પ્રતિપક્ષભૂત સામ્ય છે અને નિર્મમત્વ તો એકલા રાગનો પ્રતિપક્ષ છે. માટે બંને દોષનું નિવારણ કરવા માટે સામ્ય કરવાની ઇચ્છા કર્યે છતે વધુ બળવાન એવા રાગના પ્રતિપક્ષભૂત નિર્મમત્વ એ ઉપાય છે. જેમ બળવાન સેના હોય, તેમાં કોઈ બળવાનનો વિનાશ થયો, એટલે બીજાનો પણ વિનાશ કરતાં મુસીબત પડતી નથી, તેવી રીતે રાગનો નિગ્રહહેતુ નિર્મમત્વ તે હીનબળવાળા દ્વેષાદિકના વિનાશ માટે થાય છે. માટે વધારેથી સર્યું. નિર્મમત્વનો ઉપાય બતાવે છે - તે નિર્મમત્વ નિમિત્તે યોગી અનુપ્રેક્ષા-ભાવનાઓનો આશ્રય કરે. એ ભાવનાઓ નામથી કહે છે -
=
બાર ભાવનાઓ : ૧. અનિત્યભાવના, ૨. અશરણ, ૩. સંસાર, ૪, એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતતા, ૧૧. લોક, અને ૧૨. બોધિભાવના. (૫૫-૫૬)
‘તે આ પ્રમાણે’ એમ કહીને પ્રથમ અનિત્યભાવનાનું સ્વરૂપ બતાવે છે –
ગાથાર્થ - જે પદાર્થો સવારે છે, તે મધ્યાહ્નકાળમાં નથી. જે મધ્યાહ્નમાં છે, તે રાત્રિમાં નથી. ખરેખર, આ સંસારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. (૫૭) સર્વ પુરુષાર્થના હેતુભૂત જીવોનું શરીર પ્રચંડ પવનથી વિખરાયેલા વાદળ જેવું વિનશ્વર છે. (૫૮) સંપત્તિ સમુદ્રના મોજાં જેવી ચપળ છે, સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન પુષ્કળ પવનથી ઊંચે ફેંકાયેલા કપાસ તુલ્ય છે. (૫૯)
ટીકાર્થ - જે સવારે હોય છે, તે મધ્યાહ્ને હોતું નથી. મધ્યાહ્ને હોય, તે રાત્રે હોતું નથી. આ ભવમાં જ આમ પદાર્થોની અનિત્યતા દેખાય છે. દરેક દેહધારીઓને આ શરીર સર્વ પુરુષાર્થોનું કારણ છે, પરંતુ તે શરીર તો પ્રચંડ વાયરાથી વિખરાયેલા મેઘની માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. પાણીનાં મોજાં સરખી લક્ષ્મી ચપળ છે. સંગમો સ્વપ્ર જેવા છે અને યૌવન વંટોળીઆએ ઉડાડેલા રૂ સરખું ચપળ છે. (૫૭, ૫૮, ૫૯)