________________
ચૌદ ગુણઠાણા
૭૧૮
સયોગી એવા કેવળી તે સયોગીકેવળી. તેનું ગુણસ્થાનક તે સયોગીકેવળી ગુણસ્થાનક.
તથા જેની પાસે પૂર્વે કહેલા યોગો નથી તે અયોગી. પ્રશ્ન - એ અયોગી કેવી રીતે બને ? જવાબ - તે સયોગીકેવળી ભગવાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી વિચરીને જેના વેદનીય વગેરે કર્મો આયુષ્ય કર્મ કરતા વધુ હોય તેવા કોઈક સયોગીકેવળી ભગવાન કર્મોને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે, બીજા નથી કરતા. આર્યશ્યામાચાર્યજીએ કહ્યું છે - ‘હે ભગવંત ! બધા કેવળીઓ સમુદ્દાત કરે છે ? હે ગૌતમ ! આ વાત બરાબર નથી. જેના ભવોપગ્રાહીકર્મો (વેદનીય વગેરે કર્મો) બંધનથી અને સ્થિતિથી આયુષ્યની સમાન હોય તે સમુદ્દાત કરતા નથી. સમુદ્દાત કર્યા વિના અનંતા કેવળીભગવંતો જરા-મરણથી રહિત થઈને મોક્ષરૂપી શ્રેષ્ઠ ગતિને પામ્યા. (પ્રજ્ઞાપના)'. અહીં જે બંધાય તે બંધન એટલે કર્મપરમાણુઓ. ‘મુનિવત્યાતિમ્ય: ર્માંપાવાને' (સિદ્ધહેમ૦ ।।૨) સૂત્રથી કર્મમાં અદ્ પ્રત્યય લાગ્યો છે. બાકીનું સહેલું છે. સમુદ્દાતનું સ્વરૂપ ષડશીતિની સ્વોપજ્ઞ ટીકામાં વિસ્તારથી કહ્યું છે. તે ત્યાંથી જ જાણી લેવું. સમુદ્દાત કરીને કે કર્યા વિના ભવોપગ્રાહીકર્મોને ખપાવવા માટે લેશ્યા વિનાનું, અત્યંત નિશ્ચલ, પરમનિર્જરાનું કારણ એવું ધ્યાન કરવાની ઇચ્છાવાળા તે સયોગી કેવળી ભગવંત યોગનો નિરોધ કરવાની શરૂઆત કરે છે. તેમાં પહેલા બાદર કાયયોગથી બાદર મનોયોગનો નિરોધ કરે છે. પછી બાદર વચનયોગનો નિરોધ કરે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગનો નિરોધ કરે છે. પછી તે સૂક્ષ્મકાયયોગથી જ સૂક્ષ્મમનોયોગ અને સૂક્ષ્મવચનયોગનો નિરોધ કરે છે. સૂક્ષ્મક્રિયા અનિવર્તિ શુક્લધ્યાન કરતા કરતા સૂક્ષ્મ કાયયોગના આલંબનથી જ સૂક્ષ્મકાયયોગનો નિરોધ કરે છે, કેમકે ત્યારે આલંબન લેવા યોગ્ય બીજો કોઈ યોગ નથી. તે ધ્યાનના સામર્થ્યથી મુખ, પેટ વગેરેના પોલાણ પૂરવાથી શરીરના ત્રીજા ભાગમાં રહેલા આત્મપ્રદેશો સંકોચાઈ જાય છે. ત્યારપછી સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન કરતા મધ્યમ રીતે પાંચ હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલા કાળ માટે શૈલેશીકરણમાં પ્રવેશે છે. ત્યાં શૈલેશ એટલે મેરુપર્વત. તેની આ સ્થિરતા એટલે સામ્યાવસ્થા તે શૈલેશી. અથવા સર્વસંવર એટલે શીલ. તેના જે ઈશ તે શીલેશ. તેની આ યોગનિરોધાવસ્થા તે શૈલેશી. તેમાં કરણ એટલે પૂર્વે જેમની શૈલેશીના સમયોની સમાન સમયોવાળી ગુણશ્રેણિ રચી છે એવા વેદનીય, નામ અને ગોત્ર નામના ત્રણ અઘાતી કર્મોની અસંખ્યગુણની શ્રેણિથી અને આયુષ્યની જે સ્વરૂપે રહ્યા હોય તે સ્વરૂપની શ્રેણિથી નિર્જરા કરવી તે શૈલેશીકરણ. તેમાં પ્રવેશેલા આ અયોગી એવા કેવળી તે અયોગીકેવળી. આ અયોગી કેવળી શૈલેશીકરણના ચરમ સમય પછી ચાર અઘાતીકર્મોનો નાશ થયો હોવાથી જેમ માટીના આઠ લેપોથી લેપાયેલ, પાણીમાં નીચે ડૂબેલ તુંબડું ક્રમશઃ માટીના લેપ દૂર થવાથી પાણીની સપાટી સુધી