________________
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ
૬૧૭
ગાથાર્થ - ૮. આરંભવર્જનપ્રતિમા :- આઠમી પ્રતિમામાં આઠે મહિના સુધી સ્વયં આરંભનો ત્યાગ કરે. નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પ્રેષ્યારંભનો ત્યાગ કરે. (૯૯૦)
ટીકાર્થ - સ્વયં આરંભત્યાગરૂપ આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી પૃથ્વીકાય વગેરેના મર્દનરૂપ આરંભ સમારંભનો પોતે જાતે કરવારૂપ ત્યાગ કરે. અહીં ‘જાતે’ કરવારૂપ વચનથી એ નક્કી થયું કે આજીવિકા માટેના આરંભોમાં તેવા પ્રકારના તીવ્ર પરિણામ વગર બીજા નોકર, ચાકર વગેરે પાસેથી સાવદ્ય પણ વ્યાપાર (કામો) કરાવે.
પ્રશ્ન :- જાતે આરંભોમાં જોડાયા ન હોવા છતાં પણ નોકર વગેરે પાસેથી કરાવતા જીવહિંસા તો તેવી ને તેવી જ રહી તો આરંભત્યાગથી શું લાભ ?
ઉત્તર ઃ- સાચી વાત છે, છતાં જે પોતે જાતે આરંભ કરવા વડે અને બીજા પાસે કરાવવા વડે-એમ બે રીતે હિંસા થતી હતી, તે જાતે ન કરવા વડે તેટલી હિંસાનો ત્યાગ થયો. માટે થોડા પણ આરંભને છોડતા, વધતા મહાવ્યાધિના થોડા, અતિ થોડા ક્ષય (નાશ) થવાની જેમ તેનાથી હિત જ થાય છે.
ગાથાર્થ - ટીકાર્થ - ૯. પ્રેષ્યારંભત્યાગપ્રતિમા ઃ- પ્રેષ્યારંભત્યાગરૂપ આ નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ઉપર આખા કુટુંબ વગેરેનો ભાર સોંપી ધન, ધાન્ય વગેરે પરિગ્રહની અલ્પ આસક્તિથી પોતે જાતે તો ત્યાગ કરે પણ નોકર, ચાકર વગેરે પાસે પણ મોટા ખેતી વગેરે પાપકારી આરંભ-સમારંભનો ત્યાગ કરાવે. આસન અપાવવું વગેરે ક્રિયારૂપ અતિ નાના આરંભનો નિષેધ નથી. કારણ કે તેવા પ્રકારના કર્મબંધના કારણનો અભાવ હોવાથી આરંભપણાની પ્રાપ્તિ થતી નથી. (૯૯૦)
ગાથાર્થ - ૧૦. ઉદ્દિષ્ટભોજનવર્જન પ્રતિમા ઃ- દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદ્દિષ્ટકૃત ભોજન ખાય નહીં અને અન્નાથી મુંડન કરાવે. અથવા કોઈક ચોટલી પણ રાખે. જો દાટેલા ધન બાબત પુત્ર પૂછે તો તેને જાણતો હોય તો કહે અને ન જાણતો હોય તો ન કહે. (૯૯૧-૯૯૨)
ટીકાર્થ - દસ મહિના પ્રમાણની દસમી પ્રતિમા ઉદ્દિષ્ટભોજનત્યાગરૂપ છે. જેમાં પ્રતિમાધારી શ્રાવકને જ ઉદ્દેશીને જે ભોજન કરાયું હોય, તે ઉદ્દિષ્ટકૃત. આવા પ્રકારના ભાત વગેરે ઉદ્દિષ્ટ ભોજનને પ્રતિમાધારી ખાય નહીં તો પછી બીજી સાવઘક્રિયા કરવાનું તો દૂર જ રહો. એમ ત્તિ શબ્દનો અર્થ છે. તે દસમી પ્રતિમાધા૨ક શ્રાવક અસ્ત્રાથી મસ્તક મુંડાવે અથવા કોઈક માથે ચોટલી પણ રાખે અને તે જ શ્રાવક તે દસમી પ્રતિમામાં રહ્યો છતો જમીન વગેરેમાં દાટેલ સોનું, પૈસા વગેરે દ્રવ્ય બાબત પુત્રો વગેરે અને ઉપલક્ષણથી ભાઈઓ વગેરે પૂછે તો જો જાણતો હોય તો તેમને કહે, ન કહે તો આજીવિકા-નાશનો પ્રસંગ આવે.