________________
૬૩૨
તેર ક્રિયાસ્થાનો જીવવિરાધના વગેરે રૂપ સાવદ્યારંભ તથા ધન, ધાન્ય વગેરેના સંગ્રહરૂપ પરિગ્રહમાં ગાઢ ઇચ્છાવાળા તથા સ્ત્રીઓમાં તેમજ કામ એટલે સુંદર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અત્યંત આસક્ત તથા પોતાને મુસીબતો (કષ્ટો)માંથી સાવચેતીપૂર્વક બચાવતો, બીજા જીવોના વધ-બંધન-મારણ વગેરે કરે. લાકડી વગેરે વડે મારવું તે વધ, દોરડા વગેરે વડે બાંધવું તે બંધન, પ્રાણનાશરૂપ મારવું તે મરણ. આવા સ્વરૂપવાળું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન સિદ્ધાંતમાં કહેલ છે (૮૩૨-૯૩૩)
૧૩. ઈર્યાપથિકીક્રિયાઃ આ ક્રિયાસ્થાન સમિતિ-ગુપ્તિથી સુગુપ્ત એવા સાધુને હોય છે. સતત અપ્રમત્ત સાધુ ભગવંતને આંખના પલકારા માત્ર જેટલું સૂક્ષ્મ ઇર્યાપથિક ક્રિયાસ્થાન હોય છે.
ગમન કરવું તે ઇર્યા. તે ઈર્યા એટલે ગમનથી વિશિષ્ટ જે પથ એટલે માર્ગ તે ઈર્યાપથ, તે સંબંધિત જે ક્રિયા તે ઇર્યાપથિકી ક્રિયા. આ અર્થ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિ નિમિત્તક અર્થ આ પ્રમાણે છે.
ઉપશાંતમોહ વગેરે ત્રણ ગુણસ્થાનવર્તી જીવોનો કેવલ યોગપ્રત્યયિક જે સાતવેદનીય કર્મબંધ, તે ઈર્યાપથિકી. ઇર્યાસમિતિ વગેરે સમિતિથી યુક્ત તેમજ મન વગેરે ગુપ્તિથી ગુપ્ત એવા સુસંવૃત્ત સાધુઓ જે અપ્રમત્ત એટલે ઉપશાંતમોહ, ક્ષણમોહ અને સયોગિ કેવલિરૂપ ત્રણ ગુણસ્થાનકે રહેલા છે, તેઓને આ ક્રિયા હોય છે. બીજા અપ્રમત્ત સાધુઓને કષાય પ્રત્યયિક કર્મબંધ હોય છે. માટે તેમને ફક્ત યોગ નિમિત્તક કર્મબંધનો સંભવ ન હોવાથી અહીં અપ્રમત્ત શબ્દથી તેમને લીધા નથી. આવા સાધુ ભગવંત આંખનો પલકારો કરે તે આ યોગનું ઉપલક્ષણ છે, એટલે આંખનો ઉઘાડ-બંધ માત્ર એટલો યોગ સંભવે છે. તેટલી સૂક્ષ્મ એટલે એક સમય પ્રમાણ બંધ હોવાથી અતિ અલ્પ શાતા બંધ રૂપ ક્રિયા થાય છે તે આ તેરમું ઇર્યાપથિકી ક્રિયાસ્થાન છે. (૮૩૪-૮૩૫)' (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાષાંતરમાંથી સાભાર)
ગુરુ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ, શ્રાવકના બાર વ્રતો અને તેર ક્રિયાસ્થાનોનો બીજાને સારી રીતે ઉપદેશ આપે છે. આમ છત્રીસગુણોરૂપ અલંકારોથી સુશોભિત ગુરુ જગતમાં શોભે. (૧૫)
આમ ચૌદમી છત્રીસી સમાપ્ત થઈ.