________________
૫૮૦
બાર અંગો પર્યાયો રૂપ ધર્મોમાં કે શ્રુતધર્મ વગેરે રૂપ ધર્મમાં રુચિવાળો હોવાથી ધર્મરુચિ એ પ્રમાણે જાણવો. શિષ્યની બુદ્ધિનો વિકાસ થાય એટલા માટે આ પ્રમાણે ઉપાધિના ભેદથી સમ્યક્ત્વના ભેદ કહ્યા. બાકી નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, અભિગમરુચિ વગેરે કોઈક ભેદમાં કેટલાક ભેદોનો સમાવેશ થવાથી આટલા ભેદો સંભવતા નથી એ પ્રમાણે વિચારવું. આમ અગ્યાર ગાથાઓનો અર્થ કર્યો. (૨૭)’
અંગો એટલે પિસ્તાલીશ આગમોની અંદર રહેલા શ્રુતપુરુષના અંગોરૂપી શાસ્ત્રો. શ્રીનંદિસૂત્રની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે -
‘તેમાં અંગપ્રવિષ્ટની વ્યાખ્યા કરે છે -
અહીં પુરુષના બાર અંગો છે. તે આ પ્રમાણે - બે પગ, બે જંઘા, બે ઉરુ, બે શરીરના અડધા ભાગો, બે હાથ, ડોક અને માથુ. એ પ્રમાણે શ્રુતરૂપી શ્રેષ્ઠપુરુષના પણ ‘આચાર’ વગેરે ક્રમશઃ બાર અંગો જાણવા. કહ્યું છે કે, ‘બે પગ, બે જંઘા, બે ઉરુ, બે શરીરના અડધા ભાગો, બે હાથ, ડોક અને માથુ એ પુરુષના બાર અંગ છે. એમ શ્રુતરૂપ વિશિષ્ટ પુરુષ પણ બાર અંગવાળો છે. (૧)' શ્રુતપુરુષના અંગમાં પ્રવેશેલું એટલે કે અંગરૂપે રહેલું હોય તે અંગપ્રવિષ્ટશ્રુત. જે બાર અંગરૂપ શ્રુતપુરુષ સિવાયનું અંગથી બાહ્ય શ્રુતરૂપે રહેલું હોય તે અનંગપ્રવિષ્ટશ્રુત. અથવા જે ગણધરો વડે કરાયું હોય તે મૂળભૂત શ્રુત તે અંગપ્રવિષ્ટ શ્રુત. ગણધર ભગવંતો મૂળભૂત આચારાંગ વગે૨ે શ્રુતને રચે છે. સર્વથી ઉત્કૃષ્ટ એવી શ્રુતલબ્ધિવાળા હોવાથી તેઓ જ આચારાંગ વગેરેને રચવા સમર્થ છે, બીજા નહીં. તેથી તેમના વડે કરાયેલું સૂત્ર મૂળભૂત હોવાથી અંગપ્રવિષ્ટ કહેવાય છે. બાકીના શ્રુતસ્થવિરોએ તે અંગપ્રવિષ્ટ શ્રુતના એક ભાગના આધારે જે રચ્યું તે અનંગપ્રવિષ્ટ શ્રુત. અથવા જે હંમેશા નિયત હોય છે તે આચાર વગેરે શ્વેત તે અંગપ્રવિષ્ટ શ્રુત. તે આ પ્રમાણે - આચાર વગેરે શ્રુત બધા ક્ષેત્રોમાં અને બધા કાળે અર્થ અને ક્રમને આશ્રયીને એ જ પ્રમાણે રહેલું હોવાથી તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. અંગપ્રવિષ્ટ એટલે અંગરૂપ એટલે મૂળભૂત. બાકીનું જે શ્રુત છે તે અનિયત હોવાથી અનંગપ્રવિષ્ટ કહેવાય છે. કહ્યું છે કે, ‘ગણધરોએ જે રચ્યું તે અંગપ્રવિષ્ટ શ્રુત, સ્થવિરોએ રચેલું તે શ્રુત તો અંગબાહ્ય છે. જે નિયત શ્રુત છે તે અંગપ્રવિષ્ટ શ્રુત અને જે અનિયત શ્રુત છે તે અંગબાહ્ય શ્રુત કહ્યું છે. (૧)”
અંગો બાર છે. તે આ પ્રમાણે - ૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ સ્થાનાંગ (ઠાણાંગ), ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઅંગ (ભગવતીજી), ૬ જ્ઞાતાધર્મકથાંગ, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃતદશાંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણાંગ, ૧૧ વિપાકશ્રુતાંગ અને ૧૨ દૃષ્ટિવાદાંગ. પાક્ષિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -