________________
બે પ્રકારની શિક્ષા
૫૮૩ સૂત્રનું માહાભ્ય જ કહે છે – સૂત્રનો પરિણામ તો દૂર રહ્યો સૂત્રનો વિધિપૂર્વક ગ્રહણ કરવારૂપ સંબંધ પણ ઘઉં વગેરે બીજની સાથે થતા મીઠા પાણીના સંયોગની સમાન છે, એટલે કે અનુબંધવાળા વિરતિના પરિણામરૂપ ફળવાળો છે, કેમકે જ્ઞાનનું ફળ વિરતિ છે. કહેવાનો ભાવ આવો છે – જેમ મીઠા પાણીના સંયોગથી બીજ ફળ આપે છે તે જ રીતે સૂત્રરૂપી મીઠા પાણીના સંયોગથી ચારિત્રરૂપી બીજ મુક્તિરૂપી ફળને આપે છે. એટલા માટે સાધુ વિધિપૂર્વક સૂત્રને ગ્રહણ કરે છે. (૯)
હવે આસેવનશિક્ષાને કહે છે –
શ્રીજિનેશ્વર ભગવંતોએ અને શ્રીગણધર ભગવંતોએ જે જે રીતે પૂર્વે કહેલ સ્વરૂપવાળા સૂત્રાર્થ કહ્યા છે તે તે રીતે આ સાધુ માયાચારને જોવા વડે આત્માને “હે જીવ! માયા એ સંસારનું બીજ છે, મોક્ષના માર્ગ પર ચાલનારા તારે માયાનું શું કામ છે? તું એને છોડી દે. તું સરળ થા. સરળની શુદ્ધિ થાય છે. આવી હિતશિક્ષા પૂર્વક અથવા વસ્ત્ર-પાત્રા વગેરે રૂપ ઉપધિના પડિલેહણની સાથે આચાર્ય-ઉપાધ્યાય વગેરેના ઉપદેશપૂર્વક દેશ, કાળ અને પોતાની શક્તિને અનુસાર બધુ ઉચિત આચરણ બરાબર આચરે છે. (૧૧)
આસેવનશિક્ષાનું જ મહત્ત્વ કહે છે –
સૂત્રાર્થના સ્વીકાર વિનાનાને માત્ર સાંભળેલું શ્રુત ઉપકાર કરનારું નથી જ થતું. આ વિષયમાં દષ્ટાંત કહે છે – માત્ર ઔષધને સાંભળવાથી રોગીનો રોગ નાશ નથી જ પામતો, પણ ઔષધના પ્રયોગથી જ રોગીનો રોગ નાશ પામે છે. એ જ પ્રમાણે સૂત્રાર્થનું આચરણ કરવાથી જ સંસારરોગનો નાશ થાય છે, માત્ર સ્ત્રાર્થને સાંભળવાથી નહીં. (૧૨)
સૂત્રાર્થનો અસ્વીકાર તો દૂર રહ્યો સૂત્રાર્થથી વિપરીત ક્રિયા કરવાથી પણ સંસારરોગ નાશ નથી પામતો, પણ વધે છે એમ કહે છે –
કુપથ્યના સેવનરૂપ વિપરીત ક્રિયા કરવા વડે આ રોગનો નાશ થતો નથી, પણ રોગ વધે જ છે, એ જ રીતે ઉત્સુત્રના આચરણ વડે ભાવરોગ પણ નાશ નથી પામતો પણ વધે છે. એટલા માટે “ભગવાને કહ્યું છે' એવા ભાવપૂર્વક જ તીર્થકરો અને ગણધરોએ જે પ્રમાણે બધું કહ્યું છે તે પ્રમાણે જ સાધુ આચરે. (૧૩)
ગુરુ દશ પ્રકારની રુચિઓને, બાર અંગોને, બાર ઉપાંગોને અને બે પ્રકારની શિક્ષાઓને સમજવામાં, સમજાવવામાં અને આચરવામાં હોંશિયાર હોય છે. આમછત્રીસ ગુણોના સમૂહથી યુક્ત એવા ગુરુ પરદર્શનના વાદિઓને જીતો. (૧૪)
આમ તેરમી છત્રીસી પૂર્ણ થઈ.